બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસની આજે અહીં રમાયેલી ત્રીજી વનડેમાં પણ યજમાન શ્રીલંકાઍ પ્રવાસી બાંગ્લાદેશને ૧૨૨ રને હરાવીને સિરીઝ 3-0થી જીતી લઇને ક્લિનસ્વીપ કર્યું હતું. મેથ્યુઝ અને કુસલ મેન્ડિસની અર્ધસદીઓની મદદથી શ્રીલંકાઍ 8 વિકેટે 294 રન બનાવ્યા હતા અને તે પછી બાંગ્લાદેશની ટીમનો 172 રને વિંટો વાળી દઇ મેચ 122 રને જીતી લઇને બાંગ્લાદેશને ક્લિનસ્વીપ કર્યું હતું, શ્રીલંકાની ટીમે 3 વર્ષ પછી કોઇ ટીમને ક્લિનસ્વીપ કરી છે.
295 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમમાંથી ઍકમાત્ર સૌમ્ય સરકારે ઝીંક ઝીલી હતી. સરકાર 69 રન કરીને 8મી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. તેના સિવાય તૈઝુલ ઇસ્લામે 39 રનની ઇનિંગ રમી હતી. બાંગ્લાદેશની બેટિંગ લાઇનઅપના 7 બેટ્સમેન બે આંકડે પણ પહોંચી શક્યા નહોતા અને આખી ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ જતાં શ્રીલંકાનો 122 રને વિજય થયો હતો.
આ પહેલા ટોસ જીતીને દાવ લેવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 98 રનમાં 3 વિકેટ ગુમાવી હતી તે પછી ચોથી વિકેટની ભાગીદારીમાં ઍન્જેલો મેથ્યુઝ અને કુસલ મેન્ડિસે મળીને 101 રનની ભાગીદારી કરી હતી. મેન્ડિસ 54 રન કરીને આઉટ થયો હતો, જ્યારે મેથ્યુઝ 87 રન કરીને આઉટ થયો હતો. તેમના સિવાય કુસલ પરેરાઍ 42 તો કરુણારત્નેઍ 46 રન કર્યા હતા.