નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગવર્નિંગ કાઉન્સિલ આગામી સત્રની રાત્રે મેચ 8 વાગ્યાને બદલે 7:30 વાગ્યે શરુ કરવા અંગે આજે (27 જાન્યુઆરી) ચર્ચા કરશે. અહીં યોજાનારી બેઠક દરમિયાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સહીત બીસીસીઆઈના ટોચના કાર્યકરોની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ને પણ અંતિમરૂપ આપવાની સંભાવના છે, જે રાષ્ટ્રીય પસંદગી પેનલના ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેશે.
જાણવા મળ્યું છે કે, ગૌતમ ગંભીર અને સુલક્ષણ નાયક લોઢા સમિતિની ભલામણો અનુસાર સીએસીમાં સ્થાન મેળવવા માટે યોગ્ય નથી. ગંભીર 2018-19 સીઝનમાં નિવૃત્ત થયો હતો અને તે સાંસદ પણ છે.
નાયકે 2018-19ની સીઝનમાં ઘરેલું ક્રિકેટ પણ રમી હતી અને સીએસીના સભ્ય બનવા માટે, સક્રિય ક્રિકેટ પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં નિવૃત્તિ લેવી આવશ્યક છે. પૂર્વ ટેસ્ટ બેટ્સમેન બ્રિજેશ પટેલની અધ્યક્ષતા હેઠળની આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની આ બીજી બેઠક હશે, જેમાં 2020 ની સિઝનનું શેડ્યૂલ ફાઇનલ થવાની ધારણા છે.