ઇંગ્લેન્ડમાં રમાયેલા વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં મેચ ટાઇ રહ્યા પછી સુપર ઓવર પણ ટાઇ થઇ તે પછી જે ટીમે સર્વાઘિક બાઉન્ડરી ફટકારી હોય તેને વિજેતા જાહેર કરવાના વિવાદાસ્પદ નિયમને પગલે ખાસ્સી હોહા થઇ હતી તેના પરિણામે ઓસ્ટ્રેલિયન ટી-20 ટૂર્નામેન્ટ બિગ બેશમાં તેને લાગુ ન કરવાનો નિર્ણય લેવાયો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા મંગળવારે એવું કહેવાયું હતું કે નવા નિયમો અનુસાર પુરૂષ અને મહિલા ટી-20 લીગની ફાઇનલમાં જો બંને ટીમનો સ્કોર નિર્ધારિત સમય અને તે પછીની સુપર ઓવરમાં પણ ટાઇ થશે તો તે પછી ત્યાં સુધી સુપર ઓવર કરાવાશે જ્યાં સુધી કોઇ ટીમ સ્પષ્ટ વિજેતા ન બને. નવો નિયમ તમામ પ્રકારની ફાઇનલ મેચ પર લાગુ થશે, જ્યારે નિયમિત સિઝનની લીગ મેચ દરમિયાન જો કોઇ મેચ ટાઇ થાય અને તેની સુપર ઓવર પણ ટાઇ રહે તો બંને ટીમ વચ્ચે પોઇન્ટ વહેંચી દેવામાં આવશે.
આઇસીસીના સીઇઓ જેફ એલરડાઇસે કહ્યું હતું કે અનિલ કુંબલેની આગેવાની હેઠળની ક્રિકેટ સમિતિ વર્લ્ડકપમાં ઊભા થયેલા મુદ્દાઓ પર આવતા વર્ષે યોજાનારી બેઠકમાં વાતચીત કરશે, આ સમિતિમાં કુંબલેની સાથે એન્ડ્રુ સ્ટ્રોસ, મહેલા જયવર્ધને, રાહુલ દ્રાવિડ અને શોન પોલોક સામેલ છે. એવી સંભાવના છે કે આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારી વર્લ્ડ ટી-20માં બાઉન્ડરી કાઉન્ટનો નિયમ બદલી નાંખવામાં આવશે.