નવી દિલ્હીઃ તાજેતરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વનડે મેચમાં સોફ્ટ સિન્ગલ અંગે વિવાદ સર્જાયો હતો. જોકે, બીસીસીઆઇએ અંતે વિવાદસ્પદ સોફ્ટ સિગ્નલને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. આઇપીએલની હાલની સીઝનથી આ નિયમને હટાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત થર્ડ અમ્પાયરના નોબોલ અને શોર્ટ રનના નિર્ણયને બદલી શકાશે. આ વિશે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ તરફથી તમામ ફ્રેન્ચાઇઝ ટીમોને જાણકારી આપવામાં આવી છે.
સ્પોર્ટ સ્ટારના અહેવાલ મુજબ, પહેલા કોઈ ખેલાડીના નિર્ણયને લઈ જ્યારે મેદાન પરના અમ્પાયર ત્રીજા અમ્પાયરની પાસે જતા હતા તો તેને સોફ્ટ સિગ્નલ હેઠળ પોતાનો નિર્ણય આપવાનો રહેતો હતો. એટલે કે અમ્પાયરે ખેલાડીને આઉટ કે નોટઆઉટ આપવાનો રહેતો હતો. આ નિર્ણય બાદ ત્રીજા અમ્પાયરને મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટવા માટે મજબૂત પુરાવાની જરૂર રહેતી હતી. એવું ન હોવાની સ્થિતિમાં મેદાન પરના અમ્પાયરનો જ નિર્ણય માન્ય રહેતો હતો. પરંતુ આઇપીએલની હાલની સીઝનમાં આવું નહીં થાય. સોફ્ટ સિગ્નલ જેવી કોઈ ચીજ નહીં હોય. ત્રીજા અમ્પાયર રિપ્લે જોઈને જાતે નિર્ણય લઈ શકશે.
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી ટી20માં સૂર્યકુમાર યાદવ અને વોશિંગટન સુંદરના આઉટ થયા બાદ સોફ્ટ સિગ્નલને લઈને સવાલ ઉઠ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેની પર નારાજગી વ્યક્ત કરતાં નિયમો બનાવનારોને આ બાબતે ધ્યાન આપવાની વાત કહી હતી. આ ઉપરાંત અમ્પાયર્સ કૉલને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. ગુરુવારે આઇસીસી બોર્ડની બેઠકમાં બીસીસીઆઈના સચિવ જય શાહે અન્ય સભ્યોને કહ્યું કે, સોફ્ટ સિગ્નલ નિયમોમાં ફેરફાર જરુરી છે.
મેચ દરમિયાન શોર્ટ રનને લઈ મેદાન પરના અમ્પાયર જ નિર્ણય લે છે. પરંતુ જો થર્ડ અમ્પાયરને લાગે કે નિર્ણય ખોટો છે તો તે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને બદલી શકશે. આ ઉપરાંત થર્ડ અમ્પાયર મેદાન પરના અમ્પાયરના નોબોલના નિર્ણયને પણ બદલી શકશે. જો તેમને જોઇને લાગે છે કે આ નિર્ણય ખોટો છે.
મેચને લઈને પણ નિયમ બદલવામાં આવ્યા છે. આ અગાઉ ઇનિંગની 20 ઓવરમી ઓવરની શરુઆત 90 મિનિટ પહેલા જ થઇ જવી જોઈતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ 90 મિનિટમાં 20 ઓવરો પૂરી કરવાની રહેશે. આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે અનેક મેચ 4 કલાકથી વધુ સમય સુધી ચાલતી રહે છે. ટીમો 20 ઓવરો ફેંકવા માટે વધુ સમય લેતી હતી. એવામાં તેમની પર દંડ લગાવવાનો નિયમ છે.