T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીતી લીધું છે. ભારતે વર્ષોથી ચાલી રહેલા ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો અને ઐતિહાસિક જીત નોંધાવી. આ જીત બાદ સમગ્ર ભારતીય ટીમ આનંદથી ઉછળી પડી હતી અને દરેક પોતાની લાગણી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કપ્તાન રોહિત શર્માએ મેચ સમાપ્ત થયા બાદ બાર્બાડોસમાં કિંગસ્ટન ઓવલની પિચને નમન કર્યું હતું… જેનો વીડિયો ICCએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
રોહિત શર્માએ પીચનો આભાર માન્યો હતો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ બાર્બાડોસના કિંગ્સટન ઓવલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ શાનદાર મેચમાં ભારતે 7 રનથી રોમાંચક વિજય નોંધાવ્યો અને ઈતિહાસ રચ્યો. કેપ્ટન તરીકે રોહિત શર્માની આ પ્રથમ ICC ટ્રોફી હતી. આ ટાઈટલ જીત્યા બાદ તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં અને ભીની આંખો સાથે ખુલ્લેઆમ ઉજવણી કરતો જોવા મળ્યો. હવે ICCએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે ટ્રોફી જીત્યા પછી, રોહિત કિંગસ્ટન ઓવલની પિચ પર પાછો ફરે છે અને તેની માટીને મોંથી સ્પર્શ કરીને તેને સલામ કરે છે.
T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
T20 વર્લ્ડ કપ 2024 ના ખિતાબ જીત્યા પછી, વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20I ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જ્યારે વિરાટે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં આની જાહેરાત કરી, ત્યારે રોહિતે એમ પણ કહ્યું કે હવે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. જો કે, આ બંને મહાન ખેલાડી ભારત માટે વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં રમતા જોવા મળશે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ટ્રોફી જીતનારી ભારત વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચની વાત કરીએ તો આ મેચ કોઈ રોલર કોસ્ટરથી ઓછી નહોતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 176 રન બનાવ્યા હતા જેના જવાબમાં આફ્રિકન ટીમ 20 ઓવરમાં માત્ર 169/8 રન બનાવી શકી હતી અને ભારતે 7 રનથી મેચ જીતી લીધી હતી.