US Cricket Board T20 વર્લ્ડ કપ પછી ઊભી થયેલી વ્યવસ્થાપકી ખામી, ICC લઈ શકે છે કડક પગલું
US Cricket Board આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) હવે અમેરિકન ક્રિકેટ સંસ્થા સામે કડક વલણ અપનાવવા તૈયારીમાં છે. સૂત્રો અનુસાર, યુએસએ ક્રિકેટ બોર્ડ (USAC) પર ટૂંક સમયમાં સસ્પેન્શન લગાવવામાં આવી શકે છે. આ પગલું ત્યારે લેવામાં આવી રહ્યું છે જ્યારે અમેરિકા તાજેતરમાં યોજાયેલા ICC T20 વર્લ્ડ કપ 2024નો સહ આયોજક રહ્યો હતો.
વહીવટી સમસ્યાઓને લઈને અપાયેલી ચેતવણી હવે અંતિમ તબક્કે
ICC એ ગયા વર્ષે જુલાઈ 2024માં USACને 12 મહિના માટે ‘ગવર્નન્સ નોટિસ’ પાઠવી હતી. આ સમયગાળો આગામી મહિને પૂર્ણ થવાનો છે અને હજુ સુધી ચોક્કસ સુધારા જોવા મળ્યા નથી. આ કારણે ICC આગામી વાર્ષિક બેઠકમાં USAC સામે સસ્પેન્શનનો નિર્ણય લઈ શકે છે.
તદુપરાંત, ICC દ્વારા બનાવવામાં આવેલી “Normalization Committee” પણ અત્યાર સુધીના વહીવટી સુધારાઓથી અસંતુષ્ટ જણાય છે. આ સમિતિની રચના USACની બિનકાર્યક્ષમતા અને આંતરિક તણાવોને ધ્યાનમાં લઈને કરવામાં આવી હતી.
ICC ની ટીમે યોજી મહત્વની બેઠક
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, ICC ની એક પ્રતિનિધી મંડળે તાજેતરમાં લોસ એન્જલસમાં US Olympic & Paralympic Committee સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં USACના વરિષ્ઠ અધિકારીઓ અને નોર્મલાઇઝેશન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ICCએ સ્પષ્ટ સંકેત આપ્યો કે જો તાત્કાલિક નેતૃત્વમાં ફેરફાર નહીં થાય તો સસ્પેન્શન ટાળી શકાશે નહીં.
રાજીનામાની અફવાઓ અને ICCનું દબાણ
સૂત્રોનાં જણાવ્યા મુજબ, ICC એ કેટલાક અધિકારીઓને પદ છોડવા માટે કહેલું છે. જેમાં કેટલાક રાજીનામું આપવા તૈયાર છે તો કેટલાક હજી પણ વિરોધમાં છે. જો કે, હજુ સુધી USAC તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
2028 ઓલિમ્પિક અને Cricket Inclusion પર અસર
લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટની વાપસી થઈ રહી છે, અને તે પૂર્વે USACના વહીવટમાં અસ્વચ્છતા હોવી ICC માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેથી ICC હવે આ બાબતે કોઈ છૂટ નથી આપવાનું એવું મન બનાવી ચૂક્યું છે.