નવી દિલ્હી : ભારતના સૌથી પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું 13 જૂન, શનિવારે અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા. આ વર્ષે 26 જાન્યુઆરીએ વસંત રાયજીએ તેની સદી પૂરી કરી હતી. તે સમયે સચિન તેંડુલકર અને સ્ટીવ વો પણ તેમને મળવા ગયા હતા.
વસંત રાયજીના પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રીઓ છે. તેમના જમાઈ સુદર્શન નાણાવટીએ જણાવ્યું હતું કે, “વૃદ્ધાવસ્થાને કારણે દક્ષિણ મુંબઈના વાલકેશ્વર સ્થિત તેમના નિવાસ પર સૂતા હતા ત્યારે તેમનું (રાયજી) રાત્રીના 2.20 વાગ્યે અવસાન થયું હતું.”
વસંત રાયજી 1940 ના દાયકામાં નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા, જેમાં 277 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 68 રન હતો. દક્ષિણ મુંબઈના બોમ્બે જીમખાનામાં ભારતે પહેલી ટેસ્ટ મેચ રમી ત્યારે ઇતિહાસકાર રાયજી 13 વર્ષના હતા.
વસંત રાયજી ભારતીય ક્રિકેટની આખી યાત્રાના સાક્ષી રહ્યા છે. તે બોમ્બે (હાલ મુંબઇ) અને બરોડા માટે રમ્યા હતા. રાયજીએ લાલા અમરનાથ, વિજય વેપારી, સી.કે. નાયડુ અને વિજય હજારે સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.