IPL 2024 MI :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝન શરૂ થવામાં હવે દિવસો બાકી નથી. આગામી સિઝન માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) સાથે થશે, જે 22 માર્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. કેટલીક ટીમોએ 17મી સીઝન માટે પોતાની જર્સી લોન્ચ કરી છે, તેમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું નામ પણ સામેલ છે.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે બુધવારે IPL 2024 માટે તેની કીટ લોન્ચ કરી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ઈશાન કિશન, જસપ્રિત બુમરાહ અને ટીમના અન્ય સભ્યો નવી કીટ પહેરીને પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓનો ઉત્સાહ જોવા લાયક હતો.
View this post on Instagram
IPL 2024 માં પ્રારંભિક મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સનું શેડ્યૂલ
જો હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆતની મેચોની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ મેચ રમ્યા બાદ મુંબઈની ટીમ તેની આગામી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હોમ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. બંને ટીમો વચ્ચે આ મેચ 27 માર્ચે રમાશે.
વિપક્ષી ટીમના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બે મેચ રમ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ તેની આગામી બે મેચ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમશે. મુંબઈની ત્રીજી મેચ 1 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમાશે જ્યારે ચોથી મેચ 7 એપ્રિલને રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાશે.
તમને જણાવી દઈએ કે IPLની 17મી સીઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પોતાના દિગ્ગજ કેપ્ટન રોહિત શર્માને કેપ્ટન પદ પરથી હટાવી દીધા હતા. IPLની હરાજી પહેલા મુંબઈએ ગુજરાત ટાઇટન્સ તરફથી રોકડ ડીલ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો અને તેને કેપ્ટનશિપની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.