દુબઇ : શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં કુલ 293 રન બનાવનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ICC દ્વારા ગુરૂવારે જાહેર કરાયેલી રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી બીજું સ્થાન મેળવી લીધું છે. વિરાટ કોહલી દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ પહેલાં 877 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને હતો પરંતુ તેણે આ મેચમાં 243 અને 50 રન બનાવતાં ચેતેશ્વર પૂજારા, જો રૂટ અને કેન વિલિયમસનને પાછળ ધકેલ્યા હતા. ચેતેશ્વર પૂજારા આ ટેસ્ટ પહેલાં બીજા સ્થાને પહોંચ્યો હતો પરંતુ તેને બે સ્થાનનું નુકસાન થતાં ચોથા ક્રમે ધકેલાયો છે.
ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની તક
ICCના નિવેદન અનુસાર અત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને કોહલી વચ્ચે 45 પોઈન્ટનો તફાવત છે. કોહલી અત્યારે ત્રણેય ફોર્મેટમાં નંબર બનવા તરફ નજર માંડીને બેઠો હશે. ઉલ્લેખનીય છે કે, તે અત્યારે વન-ડે અને ટી20માં નંબર વન બેટ્સમેન છે. અગાઉ 2005-06માં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો જ મેથ્યૂ હેડન ત્રણેય ફોર્મેટમાં નંબર વન બન્યા હતા.
હરિફાઈ બની રસપ્રદ
જોકે, હાલ સ્મિથે કોહલી પર થોડી લીડ બનાવેલી છે. પણ બીજાથી માંડીને પાંચમા સ્થાન સુધીની હરિફાઈ ઘણી રસપ્રદ રહેશે. આ રેંકિંગ પહેલા પૂજારા અને પાંચમા સ્થાને રહેલા કોહલી વચ્ચે માત્ર 11 પોઈન્ટનું અંતર હતું જે હવે વધીને 28 પોઈન્ટનું થઈ ગયું છે.
વિજય-રોહિતને ફાયદો, પૂજારા-જાડેજાને નુકસાન
રેંકિંગમાં ભારતીય ઓપનર મુરલી વિજય ત્રણ ક્રમાકના ફાયદા સાથે 25 અને રોહિત શર્મા છ ક્રમાંકની છલાંગ સાથે 40મા સ્થાને પહોંચી ગયા છે. પૂજારાના રેંકિંગમાં બે સ્થાનનો ઘટાડો નોંધાયો છે અને તે હવે ચોથા ક્રમે પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજા બોલર્સની રેંકિંગમાં એક સ્થાન ખસકીને ત્રીજા સ્થાને સરકી ગયો છે. આર અશ્વિન ચોથા સ્થાને જળવાઈ રહ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંડીમલના રેંકિંગમાં 8 ક્રમનો ફાયદો થયો છે અને હવે તે નવમા સ્થાને પહોંચી ગયો છે.
પોન્ટિંગ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બન્યો હતો
વિરાટ કોહલી અત્યારે વન-ડે અને ટી-20 ક્રિકેટમાં નંબર વનના સ્થાને છે અને ટેસ્ટમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. જોકે, કેપ્ટન તરીકે એક જ સમયે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં નંબર વનનું સ્થાન રિકી પોન્ટિંગે મેળવ્યું હતું. પોન્ટિંગે ડિસેમ્બર-જાન્યુઆરી 2005-2006માં આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત બેટ્સમેનો તરીકે ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને પણ ત્રણેય ફોર્મેટમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું.
ભારતને એક પોઇન્ટનું નુકસાન
ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી જીતી લીધી હતી તેમ છતાં એક પોઇન્ટનું નુકસાન થયું છે અને હવે ભારતીય ટીમના 124 પોઇન્ટ થઈ ગયા છે. જોકે, ટીમે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. બીજા સ્થાને સાઉથ આફ્રિકા છે જેના 111 પોઇન્ટ છે. ઇંગ્લેન્ડ 105 પોઇન્ટ સાથે ત્રીજા અને ન્યૂઝીલેન્ડ 97 પોઇન્ટ સાથે ચોથા નંબરે છે. ઓસ્ટ્રેલિયા 97 પોઇન્ટ સાથે પાંચમા અને શ્રીલંકાની ટીમ 94 પોઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. શ્રીલંકા ભારત સામે સિરીઝ હારી છતાં તેના પોઇન્ટમાં નુકસાન થયું નથી. આઠમા નંબરે રહેલી પાકિસ્તાન 88 પોઇન્ટ ધરાવે છે જ્યારે વિન્ડીઝના 75 પોઇન્ટ છે.