ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ટીમમાં ત્રણ મોટા ફેરફાર કર્યા અને ઝડપી બોલર મહંમદ આમિર પછી મિડલ ઓર્ડર બેટ્સમેન આસિફ અલી અને ઝડપી બોલર વહાબ રિયાઝનો વર્લ્ડ કપ માટેની ટીમમાં સમાવેશ કરાયો છે. ગત મહિને પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાંથી જુનેદ ખાન, ફહીમ અશરફ અને આબિદ અલીને બહાર મુકીને આ ત્રણને સમાવાયા છે.
પાકિસ્તાની ટીમમાં વહાબ રિયાઝ પાછો ફર્યો તે સમાચાર થોડા ચોંકાવનારા તો છે જ, કારણ બે વર્ષના લાંબા ગાળા પછી તેની ટીમમાં વાપસી થઇ છે. વહાબે અંતિમ વનડે 4 જૂન 2017ના રોજ ભારતીય ટીમ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી હતી. આ સિવાય તે છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓક્ટોબર 2018માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમમાં સામેલ હતો. પાકિસ્તાનની ટીમમાં આ ફેરફાર ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 4-0થી મળેલા પરાજય પછી કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ આ સિરીઝમાં જોરદાર બેટિંગ કરીને દરેક મેચમાં 340 કે તેનાથી વધુનો સ્કોર બનાવ્યો હતો.
વર્લ્ડ કપ માટેની પાકિસ્તાની ટીમ : સરફરાઝ અહેમદ (કેપ્ટન/વિકેટકીપર), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, હેરિસ સોહેલ, આસિફ અલી, શોએબ મલિક, મહંમદ હાફિઝ, ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, શાહીન આફ્રિદી, મહંમદ આમિર, વહાબ રિયાઝ અને મહંમદ હસનેન.