ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ ખાતે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીમાં ટીમના પ્રદર્શન અંગે ઠેર-ઠેરથી આલોચના થઇ રહી છે. સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમ માટે ચોકર્સ શબ્દપ્રયોગ કરી રહ્યા છે. તો ભૂતપૂર્વ ખેલાડીઓ પણ તેમના નિવેદનો, મંતવ્યો અને સલાહ આપી રહ્યા છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર એલન ડોનાલ્ડે ભારતીય ટીમને સલાહ આપી છે.
મહાન બોલર એલન ડોનાલ્ડે દક્ષિણ આફ્રિકા ખાતેના ખાસ કરીને ભારતીય ટીમના બેટ્સમેનોના દેખાવને ધ્યાનમાં રાખી જે સલાહ અને સમજ આપી છે તેના માટે તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું દ્રષ્ટાંત ટાંકયું છે. જેમાં આ ભૂતપૂર્વ પ્રોટીઝ ફાસ્ટ બોલરે કહ્યું છે કે, સચિન તેંડુલકર એકમાત્ર એવો બેટ્સમેન છે કે જેણે દક્ષિણ આફ્રિકામાં સારી ટેસ્ટ ક્રિકેટ રમી છે. આ પાછળનું કારણ જણાવતા તેણે વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેનોને સચિન તેંડુલકરની જેમ જ રમત રમવા સલાહ આપી છે.
એક વાતચીત દરમિયાન એલન ડોનાલ્ડે કહ્યું, ‘જ્યાં સુધી મને ખબર છે, અમારી સામે સારો દેખાવ કરનારો એકમાત્ર ખેલાડી સચિન તેંડુલકર હતો. બેટિંગ કરતી વખતે તે મિડલ સ્ટમ્પ પર ઊભા રહેવાને બદલે આસપાસ ફરતો હતો. તે આગળ વધશે અને પછી બોલ છોડશે. જો તમે દક્ષિણ આફ્રિકામાં બોલને સારી રીતે કેવી રીતે છોડવો તે જાણો છો, તો તમે અહીં ઘણા રન બનાવી શકો છો. અહીં તમારે બોલરને તમારી નજીક આવવા માટે દબાણ કરવું પડશે. જલદી તે બોલને તમારી નજીક ફેંકવાનું શરૂ કરે છે, રન બનાવવાની તકો વધવા લાગે છે.’
આપને જણાવી દઇએ કે, સચિન તેંડુલકર અને વેલી હેમન્ડ દક્ષિણ આફ્રિકાના એકમાત્ર એવા વિદેશી બેટ્સમેન છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે. સચિને અહીં 15 ટેસ્ટ મેચમાં 1161 રન બનાવ્યા છે. તેણે અહીં પાંચ સદી અને ત્રણ અડધી સદી પણ ફટકારી છે. તેનાથી વિપરિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા બેટ્સમેન દક્ષિણ આફ્રિકામાં માત્ર બબ્બે ટેસ્ટ સદી ફટકારી શક્યા છે.
ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીઓના પર્ફોમન્સની હાલ તો ટીકા થઇ રહી છે. ખાસ કરીને કેએલ રાહુલ અને વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેન અહીં સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ભારતીય ટીમ આ સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટમાં વાપસી કરવાનો પૂરો પ્રયાસ કરશે. આ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.