વર્લ્ડ કપમાં આજે શુક્રવારે યજમાન ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સાઉધેમ્પ્ટનમાં જ્યારે મેચ રમાશે ત્યારે ઇંગ્લેન્ડ ભૂતકાળની મેચોને ભુલીને વેસ્ટઇન્ડિઝને હળવાશથી લેવાની ભુલ નહીં કરે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડની ટીમ માટે વેસ્ટઇન્ડિઝની ટીમ એક સરળ હરીફ રહ્યું છે, પણ વૈશ્વિક ટુર્નામેન્ટમાં જ્યારે બંને ટીમ એકબીજાની સામે આવશે તો ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ કોઇ જાતની ઢીલ દાખવવાથી દૂર રહેવા માગશે.
બંને ટીમોએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 3-3 મેચ રમી છે. ઇંગ્લેન્ડ 3માંથી 2 મેચ જીતીને ચાર પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે, જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ 3 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. કેરેબેયિન ટીમ ઘડીના છઠ્ઠા ભાગમાં મેચનું પાસુ પલટાવી દેવામાં સક્ષમ છે. પાકિસ્તાન સમે મળેલા પરાજય પછી ઇંગ્લેન્ડની ટીમને પોતાની નબળાઇઓ ભણી ધ્યાન આપવાનો સમય મળ્યો અને તે પછી બાંગ્લાદેશ સામે રમતના દરેક પાસામાં સારું પ્રદર્શન કરીને તેમણે જીત મેળવી.
બીજી તરફ વેસ્ટઇન્ડિઝે પાકિસ્તાનને સરળતાથી હરા્વ્યું અને તે પછી ઓસ્ટ્રેલિયા સામેની મેચ સારી સ્થિતિમાં હોવા છતાં તેમણે ગુમાવી, અને દક્ષિણ આફ્રિકા સામેની તેમની મેચ વરસાદે ધોઇ નાંખી. બંને ટીમ પાસે 7માં ક્રમ સુધી બેટ્સમેન છે અને બંનેની ટીમમાં વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડર હાજર છે. ઇંગ્લેન્ડ પાસે બેન સ્ટોક્સ, મોઇન અલી અને ક્રિસ વોક્સ છે, જે બેટ અને બોલ બંને વડે કમાલ કરી શકે છે, એ જ રીતે વેસ્ટઇન્ડિઝ પાસે આન્દ્રે રસેલ, જેસન હોલ્ડર અને કાર્લોસ બ્રેથવેટ છે, જે કોઇ પણ પરિસ્થિતિમાંથી મેચને બહાર લાવવાની તાકાત ધરાવે છે.