કાર્ડિફના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે આજે સાંજે જ્યારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપની મેચમાં મેદાન પર ઉતરશે ત્યારે બંને ટીમ પોતાના પહેલા વિજય માટે જોર લગાવશે. અત્યાર સુધી બંને ટીમ વિજયથી વંચિત રહી છે તેથી તેઓ બંને વિજય માટે મથશે તેથી આ મેચ થોડી રોમાંચક બની રહેવાની સંભાવના છે. બિન અનુભવી બેટિંગ લાઇનઅપને કારણે દક્ષિણ આફ્રિકાને ક્યારેય પણ વિજય માટેનું પ્રબળ દાવેદાર ગણવામાં આવ્યું નથી અને તેના અત્યારસુધીના પ્રદર્શનથી એ વાત સાબિત પણ થઇ ચુકી છે.
વેસ્ટઇન્ડિઝ સામેની તેમની છેલ્લી મેચમાં તેમના માટે હારને ટાળવી એ પડકાર હતો પણ એ મેચ વરસાદે ધોઇ નાંખીને જાણે કે તેમને બચાવી લીધા. આ તરફ આ વર્લ્ડ કપમાં અંડર ડોગના ટાઇટલ સાથે આવેલું અફઘાનિસ્તાન તેની આદત અનુસાર એકપણ અપસેટ કરી શક્યું નથી, ત્યારે શનિવારની સાંજની આ મેચમાં તે અપસેટ કરી દે તેવી સંભાવના છે. તેની પાછળનું કારણ અફઘાનિસ્તાનનું જોરદાર બોલિંગ આક્રમણ છે.
અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મહંમદ નબી અને મુજીબ ઉર રહેમાન સ્વરૂપે સ્પિન ત્રિપુટી છે અને તેઓ દક્ષિણ આફ્રિકન બેટ્સમેનો પર વર્ચસ્વ જમાની દે તેવી શક્યતા છે. આ ત્રપુટીને જો કોઇથી જોખમ હોય તો તે માત્ર કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટોન ડિ કોકથી. આ બે સિવાય દક્ષિણ આફ્રિકાનો કોઇ બેટ્સમેન સ્પિનને સારી રીતે રમવાની ત્રેવડ ધરાવતો નથી.