આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા વર્લ્ડ કપને ધ્યાને રાખીને બે પ્રકારના સિક્કાના ખાસ સેટ બહાર પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપના અનુસંધાને જે બે સેટ બહાર પાડવાના છે, તેમાંથી ઍક છે 1000 રૂપિયાના સોનાના સિક્કાનો અને બીજા છે 500 રૂપિયાના ચાંદીના સિક્કાનો સેટ. આ બંને સેટ સ્મારક સિક્કાના સેટ હશે.
5 ગ્રામ વજનના સોનાના સિક્કાની કિંમત 24000 રૂ. જ્યારે 500ના સિક્કાની કિંમત 4000 રૂ. રહેશે
સિક્કાના અભ્યાસુ સુધીર લુણાવતના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મુંબઇ ટંકશાળમાં બનેલા સિક્કામાં ૧૦૦૦નો સિક્કો ભારતમાં બહાર પડનારો સોનાનો પહેલો સિક્કો હશે. આ સિક્કાનો પરિઘ 18 ઍમઍમ હોવાની સાથે તેનું વજન 5 ગ્રામ હશે અને તે 999 શુદ્ધ સોનામાંથી બન્યો હશે. આ સિક્કામાં ઍક તરફ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના અંગ્રેજી લખાણની સાથે વર્લ્ડકપની ડિઝાઇન હશે, 500 રૂપિયાના સિક્કાનો આકાર 44 ઍમઍમ હશે જે 40 ગ્રામ શુદ્ધ ચાંદીમાંથી બનેલો હશે. આ સિક્કા મે મહિનાના અંતિમ સપ્તાહમાં બહાર પાડવામાં આવશે અને તે દિવસથી જ વેચાણ માટે ઉપલબ્ધ થશે. 1000 રૂપિયાના સોનાના સિક્કાની કિંમત 24000 તો 500 રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત 4000 રૂપિયા રહેશે.