નોર્થ સાઉન્ડના વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ પર રમાઇ રહેલી પ્રથમ બિન સત્તવાર ટેસ્ટના પહેલા દિવસે ભારત-ઍ ટીમે શાહબાજ નદીમની 5 વિકેટની મદદથી વેસ્ટઇન્ડિઝ-ઍને 228 રને ઓલઆઉટ કર્યા પછી ભારતીય ટીમે ગુરૂવારે બીજા દિવસે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાની નોટઆઆઉટ 61 રનની તેમજ શિવમ દુબેની 71 રનની જોરદાર ઇનિંગની મદદથી 8 વિકેટે 299 રન બનાવી લીધા હતા. રમત બંધ રહી ત્યારે સાહા 61 રમતમાં હતો. આ સાથે જ ભારતીય ટીમે 71 રનની સરસાઇ મેળવી લીધી છે.
ગુરૂવારે 1 વિકેટે 70 રનના સ્કોર પરથી ભારતીય ટીમે દાવ આગળ ધપાવ્યો તે પછી પ્રિયાંક પંચાલ અર્ધસદી ચુક્યો હતો અને તે 49 રને આઉટ થયો હતો. તે પછી શુભમન ગીલ પણ 40 રન કરીને આઉટ થયો હતો અને ટીમનો સ્કોર 3 વિકેટે 134 રન થયો હતો. તે પછી 168 રનના સ્કોર સુધીમાં ટીમે શિખર ભરત અને હનુમા વિહારીની વિકેટ ગુમાવી હતી. અહીથી સાહા અને શિવમ દુબે વચ્ચે છઠ્ઠી વિકેટની શતકીય ભાગીદારી થઇ હતી. બંનેએ મળીને પોતાની અર્ધસદી પુરી કરી હતી અને તેમની વચ્ચે 144 રનની ભાગીદારી થઇ હતી. દુબે અંગત 71 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 292 રન હતો. તે પછી 299 રનના સ્કોર સુધીમાં ભારત-એ ટીમે કૃષ્ણપ્પા ગૌતમ અને શાહબાજ નદીમની વિકેટ ગુમાવી દીધી હતી, નદીમ આઉટ થયો તેની સાથે જ રમત બંધ રહી હતી.
આ પહેલા બુધવારે યજમાન ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ભારત-ઍના ઝડપી બોલર અને સ્પિનરોઍ વેસ્ટઇન્ડિઝના બેટ્સમેનોને ફાવવા દીધા નહોતા. મહંમદ સિરાજે શરૂઆતમાં 61 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી અને તે પછી નદીમે જોરદાર બોલિંગ કરીને 22 ઓવરમાં 62 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી અને તેના કારણે વેસ્ટઇન્ડિઝની ટીમ 66.5 ઓવરમાં 228 રન કરીને ઓલઆઉટ થઇ હતી.