મહાઠગ કિરણ પેટલ કેસ હેઠળ તપાસનો ઘમઘમાટ શરૂ થઈ ગયો છે. સોમવારે ક્રાઈમ બ્રાંચની ટીમ કિરણ પટેલને લઈને તેના ઘરે જશે એવી માહિતી મળી છે. જ્યાં તેના કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી, પીએમઓના અધિકારી તરીકેના ડોક્યૂમેન્ટ અને બેંક એકાઉન્ટ ચેક કરવા અંગેની તપાસ કરાશે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ કિરણ પટેલના ઘરે જશે
મીડિયા અહેવાલ મુજબ, ભેજાબાજ કિરણ પટેલ પાસે અલ્હાબાદ બેંક, યુનિયન બેંક અને એચડીએફસી બેંક આમ 3 બેંક એકાઉન્ટ મળ્યા છે, જેમાંથી અલ્હાબાદ બેંકનું એકાઉન્ટ કિરણ પટેલનું એકલાનું અને બાકીના બંને એકાઉન્ટ પત્ની માલિની સાથે જોઈન્ટમાં હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સહિતની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ સોમવારે ત્રણેય બેંકમાં જશે. ઉપરાંત કિરણ પટેલની પૈસા, ડિગ્રી, દાગીના, રોકાણની માહિતી જાણવા માટે તેના ઘરે જઈ તપાસ કરવામાં આવશે.
કિરણ પટેલ અને માલિની પટેલની સાથે પૂછપરછ
પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુ ભવન રોડ પરનો નીલકંઠ ગ્રીન બંગલોઝ પચાવી પાડવા અને રિનોવેશનના નામે 35 લાખ લેવા અંગે કિરણ પટેલ સાથે તેની પત્ની માલિની પણ સહ આરોપી હોવાથી તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ, સોમવારે કિરણ પટેલની સાથે માલિની પટેલને રાખી બંનેની પૂછપરછ કરવામાં આવી શકે છે. માસ્ટર માઇન્ડ કિરણ પટેલ વિરુદ્ધ હજુ પણ કેટલાક વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી રહી છે. આથી તેની વિરુદ્ધ હજુ પણ વધુ ગુના નોંધાય તેવી શક્યતાઓ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કિરણ પટેલે મણિનગરમાં એક પ્રેસમાં પીએમઓ અધિકારી તરીકેના વિઝીટિંગ કાર્ડ છપાવ્યા હતા આથી તે પ્રિન્ટિંગ પ્રેસની પણ તપાસ કરવામાં આવી શકે છે. ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરતા જ કિરણ ઘૂંટણિયે પડી ગયો હતો. જ્યારે પોલીસને તપાસમાં પણ તે સાથ સહકાર આપી રહ્યો છે.