નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ઇસનપુર પોલીસના કર્મચારીઓને એક યુવક દ્વારા છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. યુવકે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે, તુમ પોલીસ વાલે યહાં ક્યું આયે હો ઔર ક્યૂં ભગાતે હો, મને પકડવાની કોશિશ કરશો તો હું તમને છરી મારી જાનથી મારી નાખીશ. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનના ઇન્ચાર્જ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જીણાભાઇ અને તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે કંટ્રોલ રૂમમાંથી ચોકીદાર બાવાની દરગાહ પાસે કોઈ મારામારી થઈ હોવાનો કોલ મળ્યો હતો. આથી ઇસનપુર પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. બાબલનો મામલો શાંત થાય તે પહેલા પોલીસ કર્મચારીઓએ બે યુવકોને ત્યાં ઊભા જોતા તેમને ઘરે જતા રહેવાનું કહ્યું હતું. આથી મામલો બિચક્યો હતો.
‘તુમ પોલીસ વાલે યહાં ક્યૂં આયે હો ઔર ક્યું ભગાતે હો’
બે યુવકો પૈકી એક યુવક મોહંમદશરીફ ઉર્ફે અલ્લારખા શેખે પોલીસ જવાનોને કહ્યું હતું કે, તુમ પોલીસ વાલે યહાં ક્યૂં આયે હો ઔર ક્યું ભગાતે હો. મને પકડવાની કોશિશ કરશો તો હું તમને છરી મારી જાનથી મારી નાખીશ. પોલીસ કર્મચારીઓએ મોહંમદશરીફને પકડવાની કોશિશ કરી પરંતુ તે નાસી ગયો હતો. આ મામલે એએસઆઇ જીણાભાઇએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં મોહંમદશરીફ ઉર્ફે અલ્લારખાં શેખ વિરૂદ્ધ ધમકીની ફરિયાદ કરી છે. પોલીસે પણ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.