શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવે એવી ઘટના બની છે. 25 વર્ષીય તબીબે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો છે. રાતે ઘરે પરિવાર સાથે જમ્યા બાદ તબીબે પોતાના રૂમમાં જઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ મામલે નિકોલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે, તબીબના આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.
મળતી માહિતી મુજબ, નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલી કેમ્પ્સ કોર્નર સોસાયટીમાં 25 વર્ષીય ડોક્ટર રાહુલ પટેલ પરિવાર સાથે રહેતા હતા. તેઓ નિકોલમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. રાહુલના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા. રાહુલ પટેલે થોડા દિવસ પહેલા જ નિકોલમાં રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ રાહુલ તેમની પત્ની કાજલ અને પિતા રમેશભાઈ ચલાવે છે. હોસ્પિટલમાં ફરજ બજાવ્યા પછી રાહુલ સાંજે રેસ્ટોરન્ટ પર આવતા હતા. દરમિયાન મંગળવારે રાહુલની પત્ની કાજલને પીયરે જવું હોવાથી તે નીકળી ગઈ હતી. જ્યારે સાંજે રાહુલ અને તેમના પિતા રમેશભાઈ રેસ્ટોરન્ટ પર હતા.
આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
રાતે રેસ્ટોરન્ટ બંધ કરીને રાહુલ પિતા સાથે ઘરે આવ્યા હતા. જ્યાં પરિવાર સાથે જમ્યા પછી રાબેતા મુજબ રાહુલ પોતાના રૂમમાં સૂવા ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે રાહુલ રૂમમાંથી બહાર ન આવતા પિતાને શંકા ગઈ હતી. આથી તેમણે રૂમ ખોલી ચેક કરતા રાહુલ બેભાન અવસ્થામાં બેડ પર પડ્યો હતો. રાહુલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે રાહુલને મૃત ઘોષિત કર્યો હતો. રાહુલે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. રાહુલના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ કરી ગયું છે. રાહુલના પિતાએ જણાવ્યું કે, એવું કોઈ કારણ નથી કે રાહુલે આ પગલું ભરવું પડે. રાહુલના લગ્નને માત્ર 5 મહિના જ થયા છે. પતિ અને પત્ની વચ્ચે ક્યારે કોઈ ઝઘડો પણ નથી થયો. હાલ, નિકોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.