અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ધમકીના મામલે મધ્યપ્રદેશથી કરાયેલી બેની ધરપકડ બાદ સાયબર ક્રાઈમને વધુ એક સફળતા હાથ લાગી છે. ગાઝિયાબાદ સુધી તપાસ થતા વધુ બે લોકોની ધરપકડ સાથે સિમકાર્ડ પ્રાપ્ત થયા છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ટેસ્ટ ક્રિકેટ મેચનું આયોજન થયું હતું. મેચ પહેલા ખલેલ પહોંચાડવાનું આરોપીઓનું કાવતરું હતું. જેમાં ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુનાં અવાજમાં અનેક લોકોને ફોન કરાયા હતા. વોઈસ મેસેજ વાયરલ પણ કરાયો હતો.
3 સિમ બોક્સમાં 50 સિમકાર્ડ મળ્યા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અગાઉ રમાયેલી ટેસ્ટ મેચમાં ખાલિસ્તાની આતંકી ધમકીના કેસ મામલે સાયબર ક્રાઈમની ટીમને વધુ 3 સિમ બોક્સ મળ્યા છે. સાયબર ક્રાઈમને ગાઝિયાબાદમાંથી આ સિમ બોક્સમાં 50 સિમ કાર્ડ મળ્યા છે. ત્યારે આ મામલે વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ હતો સમગ્ર મામલો
લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવાની ધમકી આપવામાં આવી હતી. જેમનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો. ધમકી આપનાર આરોપીઓને મધ્યપ્રદેશથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લાવવામાં આવ્યા હતા. પ્રિ રેકોર્ડ મેસેજ કરીને ધમકી ભર્યો મેસેજ ફરતો કર્યો હતો. રાહુલકુમાર હરીહર દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહની ધરપકડ કરવામાં આવ્યા બાદ રીમાન્ડ પૂર્ણ થયા હતા. ધમકી અને ડર ફેલાવાનું આરોપીઓનું મોટું નેટવર્ક હોવાની પણ આશંકા હતી. આરોપીઓ પાસેથી 11 સીમ બોક્સ, 400 સીમ કાર્ડ અને 4 રાઉટર જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફરી આ મામલે તપાસ તેજ થતા વધુ 3 લોકો સાથે 50 સિમ કાર્ડ મળ્યા છે.
અગાઉ પકડાયેલા આરોપીઓના રીમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસાઓ થયા હતા. ત્યારે આ મામલે વધુ પૂછપરછ અન્ય આરોપીઓની પણ થઈ શકે છે જેથી વધુ વિગતો આ મામલે બહાર આવી શકે છે. જેમાં બહારનું કનેક્શન હોવાની પણ આશંકા છે. જો કે, આ મામલે તપાસ તેજ ચાલી રહી છે.