અમદાવાદના પોશ વિસ્તારોમાંથી એક સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટેલમાંથી મોટું જુગાર ધામ ઝડપાયું છે. પીસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી તાજ હોટેલમાં દરોડો પાડ્યો હતો અને હોટેલના એક રૂમમાં જુગાર રમતા 10 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદની તાજ હોટેલમાં જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં શહેરના નામચીન બિલ્ડર, ઉદ્યોગપતિ હોવાનું સામે આવતા હાઇ પ્રોફાઇલ જુગાર ધામનો પર્દાફાશ થયો છે.
ઝડપાયેલા 10 આરોપી 50થી 60 વર્ષની વચ્ચેના
મળતી માહિતી મુજબ, પીસીબીને બાતમી મળી હતી કે સિંધુભવન રોડ પર આવેલી લક્ઝુરિયસ તાજ હોટેલમાં રૂમ નંબર 721માં જુગાર ધામ ધમધમી રહ્યું છે. આથી બાતમીના આધારે પીસીબીની ટીમે હોટેલના રૂમમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શહેરના નામચીન લોકો જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બિલ્ડર, ઉદ્યોગપતિ હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ સાથે તમામ ઝડપાયેલા 10 આરોપી 50થી 60 વર્ષની વચ્ચેના છે. એટલે કે તમામ સિનિયર સિટીઝન દ્વારા હોટેલમાં રૂમ બુક કરી જુગાર રમવામાં આવી રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હોટલના 7મા માળે એક રૂમમાં ગોળ ટેબલ પર લાલ તથા સફેદ કલરના કોઈન્સનો નાણા તરીકે ઉપયોગ કરી તમામ લોકો જુગાર રમી રહ્યા હતા.
રોકડ, ફોન મળી કુલ રૂ.10.50 લાખનો મુદ્દામાલ જપ્ત
તપાસમાં જાણવા મળ્યું કે, તાજ હોટેલના માલિક કૈલાશ ગોયન્કા દ્વારા પોતાના મિત્ર વર્તુળના માસણોને ભેગા કરી જુગાર રમાડવામાં આવતો હતો. આ કાર્યવાહીમાં પીસીબીની ટીમે ઘટના સ્થળેથી રૂ.9.83 લાખની રોકડ, 4 મોબાઈલ ફોન, લાલ તથા સફેદ કલરના 186 કોઈન મળી કુલ રૂ.10.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં શંકરભાઈ પટેલ, હસમુખભાઈ પરીખ, અજીતભાઈ શાહ, કનુભાઈ પટેલ, ભાવિન પરીખ, પ્રદીપ પટેલ, ભરત પટેલ, જગદીશભાઈ દેસાઈ અને નરેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.