ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ એક માતા અને પુત્રી પર એક વ્યક્તિએ હુમલો કરી દીધો. મા-દીકરી એક દુકાને ખરીદી કરવા ગઈ હતી. આ દરમિયાન બંનેએ હિજાબ પહેર્યો ન હતો. તો ત્યાં હાજર એક વ્યક્તિએ મા-દીકરીના માથા પર દહીં નાખી દીધું. આ પછી પોલીસે મા-દીકરીની ધરપકડ પણ કરી લીધી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે હિજાબ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મા-દીકરીની ધરપકડ કરી. જોકે, બાદમાં દબાણ વધતાં હુમલાખોરને પણ અશાંતિ ફેલાવવાના આરોપસર પોલીસે પકડી લીધો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું કે કાયદા પ્રમાણે દરેક મહિલા માટે હિજાબ પહેરવું જરૂરી છે. તેમણે કહ્યું- આ દેશના કાયદાનો આવશ્યક ભાગ છે. પરંતુ જે લોકો હિજાબમાં માનતા નથી, તેઓએ આ વિશે સમજવાની જરૂર છે. કારણ કે કાયદાનું પાલન થવું જોઈએ. આ પહેલા ઈરાનના ચીફ જસ્ટિસ ગુલામ હુસૈન મોહસેનીએ પણ આદેશ આપ્યો હતો કે જો કોઈ પણ સાર્વજનિક સ્થળે મહિલાઓ હિજાબ વગર જોવા મળશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઘણા સમયથી હિજાબ વિરુદ્ધ ચાલી રહ્યું છે આંદોલન
સપ્ટેમ્બર 2022થી ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓ આંદોલન કરી રહી છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી વખત હિંસક અથડામણ થઈ છે અને હિજાબના વિરોધ દરમિયાન સેંકડો લોકો માર્યા ગયા છે. પ્રથમ મૃત્યુ 22 વર્ષીય મહિસા અમીનીનું હતું, જેને પોલીસે હિજાબ ન પહેરવા બદલ કસ્ટડીમાં લીધી હતી. પોલીસ કસ્ટડીમાં અમીનીના મોત બાદ ઈરાનની મહિલાઓ રોષે ભરાઈ હતી અને તે પછી રસ્તાઓ પર રાષ્ટ્રીય સ્તરે આંદોલન કરવામાં આવ્યું હતું. ઈરાની મહિલાઓએ રસ્તા પર તેમના હિજાબ સળગાવીને હોળી કરી હતી. આ ચળવળ ખૂબ જ વ્યાપક બની ગઈ હતી અને તેને આંતરરાષ્ટ્રીય સમર્થન પણ મળી રહ્યું હતું. પરંતુ ઈરાનની સરકારે ઘણા આંદોલનકારીઓને ફાંસી આપીને આ આંદોલનને દબાવી દીધું.