કિરણ પટેલ મામલે સ્થાનિક પોલીસને શ્રીનગર કોર્ટે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. જેના આધારે કિરણ પટેલની તપાસ તેજ કરવામાં આવશે. 18 લાખની છેતરપિંડી અમદાવાદ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. 15 એપ્રિલ સુધીમાં તપાસનો રીપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
શહેરના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ બંગ્લોઝને પચાવી પાડવાનો પ્રયાસ કરવાના કેસની તપાસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ શ્રીનગર પહોંચી છે અને ટ્રાન્સફર વોરંટના આધારે મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લઈ તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. ત્યારે શ્રીનગર કોર્ટ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મહાઠગ મામલે એક પછી એક તપાસ તેજ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે જમ્મુ કાશ્મીરના કમિશનર દ્વારા નકલી પીએમઓ અધિકારી તરીકેના કરેલા પ્રવાસો અંગે પણ તપાસ કરવામાં આવશે. કિરણ પટેલ સહીત 3 લોકો સામે છેતરપિંડીની અરજી કરવામાં આવી છે. અગાઉ આ મહાઠગે અન્ય નામના ધંધાર્થી તરીકે પોતાની ઓળખ આપી હતી.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મહાઠગને રોડ માર્ગે શ્રીનગરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. કિરણ પટેલના રિમાન્ડ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે મંગળવારે અથવા આવતીકાલે બુધવાર સુધીમાં કોર્ટમાં રજૂ કરે તેવી શક્યતાઓ છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી શકે છે.