ગાંધીનગરના સેક્ટર-28 જીઆઈડીસી ખાતે આવેલી એક ફાર્મા કંપનીમાં મેનેજરે મસમોટી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફાર્મા કંપનીના મેનેજર સામે કુલ રૂ.1.05 કરોડની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે પોલીસે મેનેજર વિરુદ્ધ છેતરપિંડી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ખાતે રહેતાં અને ગાંધીનગરના સેક્ટર 28 જીઆઈડીસી ખાતે આવેલી રાધિમ બાયોટેક ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક આશિષ ગજ્જરે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ મુજબ, તેમની કંપનીની ઓફિસ અમદાવાદ ખાતે છે જ્યારે કંપનીનું ઉત્પાદન યુનિટ ગાંધીનગર સેક્ટર-28 જીઆઈડીસીમાં છે. તેમની ફાર્મા કંપનીમાં ભાવિન પટેલ (ઘોડાસણ, અમદાવાદ) મેનેજર તરીકે નોકરી કરતાં હતા. ભાવિન, કંપનીમાં દવા બનાવવા માટે રો-મટિરિયલની ખરીદી, દવાઓનું ઉત્પાદન, પેકિંગ, ભાવ-તાલ સહિતનું તમામ કામ જોતા હતા.
પૈસાની ભીંસ આવતા માલ વેચી માર્યો
દરમિયાન ફેબ્રુઆરી-2022માં કંપનીના માલિક આશિષભાઈએ અમદાવાદ ખાતેની એક ટ્રેડિંગ કંપની દ્વારા રો-મટિરિયલના રૂ. 54.51 લાખનું લેણુ કાઢ્યું હતું. જે અંગે ભાવિન પટેલને પૂછતાં તેણે ઉત્પાદન ચાલુ હોવાની વાતો કરી હતી. જો કે, આ મામલે જ્યારે આશિષભાઈએ રૂબરૂ તપાસ કરી તો કોઈ ઉત્પાદન ચાલતું નહોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ભાવિન પટેલને નોટિસ આપીને જવાબ પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો. આથી આશિષભાઈએ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરતા ભાવિન પટેલે કબુલ્યું હતું કે પૈસાની ભીંસમાં આવતા તેણે સામાન વેંચી માર્યો હતો. આ મામલે સેક્ટર-21 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.