કેરળના કોઝિકોડમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ ચાલતી ટ્રેનમાં કેટલાક લોકો પર પેટ્રોલ છાંટીને તેમને આગ ચાંપી દીધી. આગના કારણે આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે અકસ્માત સ્થળથી થોડે દૂર રેલવે ટ્રેક પાસે એક બાળક સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આગની ઘટના બાદ આ લોકો ટ્રેનમાંથી પડી ગયા અને મૃત્યુ પામ્યા.
આ ઘટના રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યે અલપ્પુઝા-કન્નુર એક્સપ્રેસના ડી-1 કોચમાં બની. હવે કોઝિકોડના ઇલાતુર રેલ્વે સ્ટેશન પાસે બે વર્ષના બાળક, એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે રવિવારે આગ લગાડવાની ઘટના બાદથી ત્રણેય ટ્રેનમાંથી ગાયબ હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લગભગ 10.45 વાગ્યે, જ્યારે અલપ્પુઝા-કન્નુર એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેન કોઝિકોડ શહેરને પાર કરીને અહીં કોરાપુઝા રેલ્વે બ્રિજ પર પહોંચી, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ એક સહ-મુસાફર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો દાઝી ગયા.
આરોપી ટ્રેનની ચેઈન ખેંચીને ભાગી ગયો
આ ઘટના બાદ મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી લીધી ત્યારબાદ આરોપી ભાગી ગયો જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે ટ્રેન કન્નુર પહોંચી ત્યારે કેટલાક મુસાફરોએ ફરિયાદ કરી કે ઘટના બાદ એક મહિલા અને એક બાળક ગુમ છે. કન્નુરમાં એક મુસાફરે કહ્યું, ‘એક ઘાયલ વ્યક્તિ મહિલા અને બાળકની શોધ કરી રહ્યો હતો. અમને તે મહિલાના શૂઝ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે.’
લોકોના ગુમ થયાની માહિતી મળતા જ, પોલીસે ટ્રેકનું નિરીક્ષણ કર્યું અને એક મહિલા, એક બાળક અને એક પુરુષ સહિત ત્રણ મૃતદેહો શોધી કાઢ્યા. પોલીસને શંકા છે કે ઘટનામાં તેઓ ટ્રેનમાંથી પડી ગયા અથવા ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘ગુમ થયેલી મહિલા અને બાળકના મૃતદેહ પાટા પરથી મળી આવ્યા. એક અજાણ્યા વ્યક્તિની લાશ પણ મળી આવી છે. અમને શંકાસ્પદ વ્યક્તિના CCTV ફૂટેજ મળ્યા છે, તપાસ ચાલુ છે.’
માહિતી અનુસાર, મહિલા બાળકની સગી હતી. કુલ નવ લોકોને કોઝિકોડ મેડિકલ કોલેજ સહિત વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.