મૂળ મધ્યપ્રદેશના અને હાલ જસદણના વાજસુરપરા વિસ્તારમાં રહી મજૂરીકામ કરતા પરીવારની 13 વર્ષીય બાળાને આટકોટમાં રહેતો અને એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરવાનું કામ કરતો દિલીપ ઉર્ફે દીપુ વશરામ સોલંકી(ઉ.વ.27) નામનો નરાધમ શખ્સ લગ્નની લાલચ આપી બાઈકમાં બેસાડી બાળાને અવારનવાર આટકોટ ગામથી ત્રણ કી.મી. દૂર એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની સગીરાના પિતાની ફરિયાદના આધારે જસદણ પોલીસે વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને ગણતરીની કલાકોમાં પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં 13 વર્ષીય બાળા પર દુષ્કર્મ ગુજારનાર આ નરાધમ શખ્સએ 15 દિવસ અગાઉ પણ આ જ રીતે તેને ઉઠાવી જઈ બળજબરી કરી હોવાની ભોગ બનનાર પીડિતાએ કેફિયત આપી હતી. આ દુષ્કર્મના બનાવમાં બાળા તેના માતા-પિતા સાથે આટકોટમાં મકાનના બાંધકામ માટે મજૂરીકામે ગયા હતા. ત્યારે ગત શનિવારે સાંજના 4 વાગ્યા આસપાસ બાળા જાજરૂ માટે ગઈ ત્યારે તેને આટકોટના શખ્સએ બળજબરી કરી બાળાનું બાવડું પકડી બાઈકમાં બેસાડી એક મકાનમાં લઈ ગયો હતો અને બળજબરી કરી હતી. જો કે બાદમાં આ હવસખોરએ બાળાને આટકોટની બાયપાસ ચોકડી પાસે ઉતારી દઈ તેને અને તેના માતા-પિતા સહિત બધાને મારી નાખવાની ધમકી આપીને નરાધમ ત્યાંથી નાસી ગયો હતો. આથી બાળાએ ડરના માર્યા કોઈને જાણ કરી ન હતી. એવામાં ગત શનિવારે બીજી વખત તે શખ્સએ તેની સાથે દુષ્કર્મ કરતાં તેને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને સઘળી બીનાથી માતા પિતાને વાકેફ કર્યા હતા. જેથી બાળાને ગઈકાલે ગુરૂવારે સાંજે સારવાર માટે જસદણ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી અને ફરજ પરના તબીબોએ પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પીડિતાના પિતાની ફરિયાદના આધારે દુષ્કર્મ ગુજારનાર શખ્સને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જે દરમિયાન ગણતરીની કલાકોમાં જસદણ પોલીસે આટકોટ ગામના દિલીપ ઉર્ફે દીપુ વશરામ સોલંકીને પકડી પાડી કાયદાનું ભાન કરાવતા પોતે પોપટ બની ગયો હતો. હાલ આ બનાવમાં પોલીસે દુષ્કર્મ ગુજારનાર નરાધમની જરૂરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ત્યારે સવાલ એ થાય છે કે, ગઈકાલે ગુરૂવારે દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાએ અને તેના માતા-પિતાએ મીડિયા સમક્ષ એવી કેફિયત આપી હતી કે, બાળા પર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમો હતા. તો સગીરાના પિતાએ તેની પોલીસ ફરિયાદમાં કેમ એક જ આરોપીનું નામ લખાવ્યું? શું ફરીયાદીને પોલીસ દ્વારા એક જ નામ લખાવવા માટેનું દબાણ કરવામાં આવ્યું હતું? કે પછી ફરીયાદીએ અગાઉ જણાવેલ વિગતો ખોટી હતી? તે એક તપાસનો વિષય બની જવા પામ્યો છે. નરાધમે સગીરાને લગ્નની લાલચ આપી ખરાબ કૃત્ય કર્યું હતું: કે.જી.ઝાલા-ડીવાયએસપી,ગોંડલ. ગઈકાલે જસદણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363,66,પોક્સો વગેરેનો ફરીયાદી સગીરાના પિતા દ્વારા તેમની સગીર વયની દીકરીને આટકોટ ગામે રહેતા દિલીપ વશરામ સોલંકીએ લગ્નની લાલચ આપી આટકોટ પોલીસ સ્ટેશનથી ત્રણ કી.મી. દૂર મામાદેવની જગ્યાની સામે એક મકાનમાં અવારનવાર સગીરા સાથે ખરાબ કૃત્ય કરેલું હોય જેના અનુસંધાને આરોપીને તાત્કાલિક પકડી પાડેલ છે અને આ બાબતે આરોપીની જરૂરી પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવમાં ફરિયાદ મુજબ એક જ આરોપી છે જેને પોલીસે અટક કરી લીધો છે
