તાજેતરના સમયમાં સ્ત્રીઓ અને બાળકો સાથેના અપરાધોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં એક બંધ MCD સ્કૂલ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ કોમ્પ્લેક્સમાં લૂંટ દરમિયાન બળાત્કાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે બળાત્કાર અને લૂંટની એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, 16 વર્ષની પીડિતાના માતા-પિતાએ પોલીસમાં કેસ નોંધાવ્યો છે. પીડિતાના પરિજનોનું માનવું છે કે આ ઘટનામાં કોઈ જાણકારનો હાથ હોઈ શકે છે. દિલ્હી પોલીસને મળેલી ફરિયાદ મુજબ પીડિતાના માતા-પિતા અશોક વિહારની એક MCD સ્કૂલમાં કોન્ટ્રાક્ટ પર મજૂરી કામ કરે છે.
મજૂરની 16 વર્ષની બાળકી પર લૂંટ બાદ બળાત્કાર
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એમસીડી સ્કૂલમાં કામ થોડા દિવસોથી બંધ હતું, પરંતુ પીડિતાનો પરિવાર કોમ્પ્લેક્સની અંદર રહેતો હતો. મંગળવારે પીડિતાના માતા-પિતા અન્ય સ્થળે મજૂરી કરવા ગયા હતા. ઘરમાં બે દીકરીઓ હાજર હતી. તેઓ 16 વર્ષની પીડિતા અને તેની 18 વર્ષની મોટી બહેનને ઘરે મૂકીને ગયા હતા. આરોપ છે કે લગભગ 11.30 વાગ્યે એક છોકરો બળજબરીથી ઘરમાં ઘુસ્યો. છોકરાએ પહેલા લૂંટ ચલાવી, પછી રસોડામાં રાખેલી છરી ઉપાડી અને ધમકાવીને નાની બહેન સાથે બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો.
દિલ્હી પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે
દિલ્હી પોલીસનું કહેવું છે કે પીડિતાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે અને પીડિતાના નિવેદનના આધારે આરોપીની શોધ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ પીડિતાના પરિવારનો જ કોઈ જાણકાર છે. કારણ કે બળજબરીથી ઘરમાં ઘુસ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હાલ શાળાની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે.