ફેસબુકમાં બંદૂક સાથે ફોટો મુકનાર જસદણના શિવરાજપુરના કાકા-ભત્રીજા સામે ગુનો નોંધાયો. – ભત્રીજા અને કાકાની રૂરલ એસઓજીની ટીમે ધરપકડ કરી લાયસન્સવાળી બારબોરની બંદૂક કબ્જે કરવા તજવીજ હાથ ધરી. જસદણ. જસદણના શિવરાજપુરમાં રહેતા કાકા-ભત્રીજા સામે રૂરલ એસઓજીએ ગુનો દાખલ કર્યો હતો. જેમાં ભત્રીજાએ સોશ્યલ મીડિયા પર કાકાના લાયસન્સ વાળી બંદૂક સાથે ફોટો મુકતા આ કાર્યવાહી કરાઈ હતી. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રૂરલ એસઓજી પીઆઈ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી.મિયાત્રાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ વગેરે જસદણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોશ્યલ મીડિયામાં વોચ રાખેલી હોય ત્યારે ધ્યાને આવેલ કે, વિજય વિરજીભાઈ મુલાણી(ઉ.વ.24)(રહે-શિવરાજપુર,તા-જસદણ) એ પોતાના ફેસબુક એકાઉન્ટમાં હથિયાર સાથે ફોટાઓ અપલોડ કર્યો છે. જેથી તપાસ કરતા શિવરાજપુર-માધવીપુર રોડ, કાળી કસ વિસ્તાર જેન્તીભાઈ ચનાભાઈ સરીયાના પાનના ગલ્લા ખાતેથી આ વિજય મળી આવ્યો હતો. તેની આગવી ઢબે પૂછપરછ કરાતા પોતાની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો ન હોવાનું કહ્યું હતું. આ હથીયાર ધીરૂ માવજીભાઈ મુલાણી(ઉ.વ.43)(રહે-શિવરાજપુર,તા-જસદણ) નું લાયસન્સ વાળું હોવાનું કહ્યું હતું. તેણે વર્ષ-2020 માં તેના કાકા ધીરૂભાઈના પરવાના વાળા હથિયારથી ફોટાઓ પાડેલ અને પોતાના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કરેલાની હકીકત જણાવેલ હતી. જેથી એસઓજીએ ધીરૂભાઈની ધરપકડ કરતા ફોટામાં જણાવેલ હથીયાર પોતાનું બાર બોર ડબલ બેરલનું પાકરક્ષણનું પરવાનાવાળું વર્ષ-2019ના લાયસન્સનું હથિયાર હોવાનું જણાવેલ. જે હથિયારની કિંમત રૂ.25 હજાર ગણી પોલીસે કબ્જે લીધું હતું. બાદમાં બન્ને આરોપીઓ સામે એસઓજીએ જસદણ પોલીસ મથકે આર્મ્સ એકટ કલમ 29,30 મુજબનો ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
