ભરૂચથી હૈયું કંપાવે એવી ઘટના સામે આવી છે. એક ક્રૂર માતાએ જ પોતાની પાંચ વર્ષની માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ મામલે પોલીસે હત્યારી માતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે અગાઉ અન્ય બે દીકરીઓના મોતમાં પણ હત્યારી માતાનો જ હાથ હોઈ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.
મીડિયા અહેવાલ મુજબ, ભરૂચમાં મૂળ રાજસ્થાનના માનવરસિંગ ચૌહાણ અને તેમના મોટાભાઈ કલ્યાણસિંગ પરિવાર સાથે છેલ્લા 8 વર્ષથી રહે છે. માનસિંહના લગ્ન 8 વર્ષ પહેલા મધ્યપ્રદેશની નંદની સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. 8 વર્ષના લગ્નજીવન દરમિયાન બંનેને 3 દીકરીઓ હતી, જેમાં સૌથી મોટી 5 વર્ષીય અંશુ નામની દીકરીને મોટાભાઈ કલ્યાણસિંગને કોઇ સંતાન ન હોવાથી દત્તક આપી હતી. જો કે, માનવરસિંગ અને નંદની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અગાઉ લગ્નજીવનમાં દંપતીને એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ, જન્મના 20 દિવસ બાદ જ તેનું મોત થયું હતું.
પાંચ વર્ષની દીકરીને મોટાભાઈને દત્તક આપી હતી
થોડા વર્ષો બાદ ત્રણ વર્ષની બંશુકા નામની દીકરીનું પણ રાજસ્થાનમાં રહસ્યમય સંજોગોમાં મોત થયું. જો કે દીકરીનું મોત કુદરતી રીતે થયું હોવાનું સમજી પરિવાર પાછો ભરૂચ આવી ગયો હતો. ભરૂચમાં અંશુ કલ્યાણસિંગ સાથે જ રહેતી હતી. જો કે, માનવરસિંગ અને નંદની વચ્ચે ઘરેલુ ઝઘડા સતત વધ્યા હતા. દરમિયાન અંશુ નંદની પાસે ઘરે આવી હતી. નંદનીએ કામ પર ગયેલા માનવરસિંગને ફોન કરી જણાવ્યું હતું કે, અંશું આવી છે. થોડા સમય બાદ માનવરસિંગને નંદનીનો ફરી ફોન આવ્યો કે, અંશુ કંઈ બોલતી નથી. આથી માનવરસિંગ તાત્કાલિક ઘરે પહોંચ્યા અને અંશુને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અંશુને મૃત જાહેર કરી હતી.
પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો
પીએમ રિપોર્ટ આવ્યા બાદ અંશુની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી માનવરસિંગને શંકા જતા પત્ની નંદનીની કડક પૂછપરછ કરી હતી. નંદની ભાંગી પડતા તેણે સ્વીકાર્યું હતું કે, તેમની વચ્ચે થતા અવાન નવાર ઝઘડાથી તે કંટાળી ગઇ હતી આથી અંશુની સાથે તે પણ મરવા માગતી હતી. એટલે પહેલા તેણે અંશુની ગળુ દબાવી હત્યા કરી હતી. આ મામલે પોલીસે માતાની ધરપકડ કરી છે અને અગાઉ અન્ય બે બાળકીઓનું પણ રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. ત્યારે તેમના મૃત્યુમાં પણ શું માતાની જ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.