મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર ખાવાનું માંગનાર પરપ્રાંતીય શ્રમિક પર છરીથી હુમલો
અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
મોરબી શહેરમાં કામધંધા અર્થે આવેલ પરપ્રાંતીય શ્રમિકે નાસ્તાની લારી પાસે ખાવાનું માંગ્યું હતું ત્યારે નાસ્તો કરી રહેલ મહિલાએ છણકો કરતા પરપ્રાંતીય શ્રમિકે આવું નહિ કરવાનું કહેતા તેની સાથે રહેલ અજાણ્યા ઇસમેં છરી કાઢી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે છરીનો ઘા મારી જીવલેણ ઈજા કરી અજાણ્યો ઇસમ નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ઉત્તરપ્રદેશના વતની રમેશકુમાર ખુર્રમ યોગી (ઉ.વ.૪૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ આઠેક દિવસ પહેલા કામધંધાની શોધમાં યુપીના શાંતિનગરથી મોરબી આવ્યા હતા અને ત્યારથી કામધંધો શોધતા હોય અને જે મળે તે ખાઈ રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ પર સુઈ જતા હતા ગઈકાલે તા. ૦૧ એપ્રિલના તે આખો દિવસ રખડ્યા બાદ કોઈ કામધંધો મળ્યો ના હતો અને પગે ચાલીને રેલ્વે સ્ટેશન તરફ જતા હોય ત્યારે વિસીપરા રેલ્વે ફાટકથી રેલ્વે સ્ટેસન તરફ જતા રોડ પર સાંજના સુમારે ઈંડાની લારીએ એક મહિલા અને એક પુરુષ ઈંડા ખાતા હોય જેથી બંને પાસે ખાવાનું માંગતા બહેને છણકો કરીને અહીંથી જા ભિખારી કહ્યું હતું જેથી તમારે ખાવાનું ના આપવું હોય તો ના આપો પણ આ રીતે વાત ના કરશો તેમ રમેશ યોગીએ કહ્યું હતું
અને થોડી બોલાચાલી થયા બાદ ફરિયાદી ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે બહેન સાથે બેઠેલ ભાઈ એકદમ ઉભો થઈને છરી કાઢી ફરિયાદી રમેશકુમાર યોગીને છરીનો ઘા પેટના ભાગે ઝીંકી દીધો હતો જેથી આંતરડા બહાર નીકળી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં પડી ગયા હતા ત્યારે ઈંડાની લારી વાળા ભાઈએ ૧૦૮ ને ફોન કરી બોલાવતા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
આમ યુપીથી કામધંધાની શોધમાં આવેલ ૪૫ વર્ષીય આધેડે નાસ્તાની લારી પાસે ખાવાનું માંગતા નાસ્તો કરી રહેલ બહેને છણકો કરતા બોલાચાલી થઇ હતી અને બાદમાં અજાણ્યા ઇસમેં મારી નાખવાના ઈરાદે પેટમાં છરીનો ઘા ઝીંકી ઈજા કરી નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે