તરઘડિયા અને શુકલ પીપળીયા ગામના બે જુવાનજોધ મિત્રના મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. રાજકોટ થી ઘરે જતી વેળાએ બે કાબુ બનેલા ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા બંને મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પોલીસે બંને મૃતદેને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ તરઘડીયા ગામે રહેતા બહાદુર છગનભાઈ સાડમિયા નામનો 25 વર્ષીય યુવાન શુક્લ પીપળીયા ગામના તેમના મિત્ર ઘુઘા વિનાભાઈ જખાણીયા નામના 24 વર્ષીય યુવાન સાથે બાઈક પર જતા હતા ત્યારે માલિયાસણ પાસે માતેલા સાંઢની જેમ ધસી આવેલા રાજકોટ પાસિંગના ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકસાથે બંને મિત્રોએ અનંતની વાટ પકડતા શોકનો માહોલ છવાયો છે. આ અંગે ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મિત્રોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટના અંગે બંને યુવાનોના પરિવારજનોએ જાણ કરતા ગમગીની છવાઈ ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક બહાદુર સાડમીયા માલધારી હોય અને ઢોર ચરાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક યુવાન બહાદુર સાડમિયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોય અને પોતે ત્રણ ભાઈમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે. બહાદુર સળમિયાના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. તો બીજી તરફ તેના મિત્ર ઘૂઘા જખાણીયા પણ માલ ઢોરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ સાથે પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે છૂટક મજૂરી પણ કરતો હતો. મૃતક ઘુઘા જખાણીયાની સગાઈ તૂટી ગયો હોવાનું અને તે મામલે અગાઉ પોલીસ કેસ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે.
