સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી આરોપી પોલીસકર્મીને ચકમો આપી ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. મંદિરમાં ચોરીના ગુનામાં સાળા અને બનેવીની ધરપકડ કરવામાં આવી હતી. લોકઅપમાં બનેવીને ખેંચ આવતા સાળાએ પોલીસકર્મીને જાણ કરી હતી. આથી પોલીસકર્મીએ બંનેને બહાર કાઢ્યા હતા. દરમિયાન આરોપી સાળો તક જોઈને ત્યાં ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસકર્મીએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આરોપી પકડાયો નહોતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, મંદિરમાં ચોરી કરવાના ગુનામાં વિજય ઉર્ફે બોબડો અંબાલાલ વાદી અને કિશન જયંતી વાદીને ટ્રાન્સફર વોરંટથી સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. દરમિયાન લોકઅપમાં બનેવી કિશન વાદીને ખેંચ આવી હતી. આથી સાળા વિજયે પોલીસને જાણ કરી હતી. માનવતા દાખવી પોલીસકર્મીએ કિશનની સાથે વિજય ઉર્ફે બોબડોને પણ લોકઅપમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસકર્મી જ્યારે આરોપી કિશન માટે પાણી લેવા ગયા ત્યારે તક જોઈ આરોપી વિજયે પોલીસને ચકમો આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સીસીટીવીમાં આરોપી ભાગતો દેખાયો
જો કે, પોલીસકર્મીએ આરોપી વિજયને પકડવા માટે તેનો પીછો પણ કર્યો હતો. પરંતુ, આરોપી વિજય ભાગવામાં સફળ થયો હતો. સીસીટીવી કેમેરામાં આરોપી વિજય ગોડાદરા સ્કૂલ તરફ ભાગતો દેખાય છે. આરોપી વિજયને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી છે. આ મામલે પોલીસ જાતે ફરિયાદી બની આરોપી વિજય સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે અને તેની શોધખોળ આદરી છે.