Mallikarjun Kharge બિહારમાં ખડગેનો આક્રમક વાર: ભાજપ અમને દુશ્મન માને છે
Mallikarjun Kharge બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો વધ્યો છે. બક્સરમાં આયોજિત જાહેર સભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ સામે તીખો હુમલો કર્યો. ખડગેએ કહેલું કે, “પીએમ મોદી અને ભાજપ અમને દુશ્મન સમજે છે. કોંગ્રેસ નેતાઓ સામે ચાર્જશીટ ફક્ત અમારી પાર્ટીને હેરાન કરવા અને દબાવવા માટે છે.”
તેમણે ગાંધી પરિવારની બહાદુરીનું ઉલ્લેખ કરતા કહ્યું કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રોબર્ટ વાડ્રા વિરોધી કાર્યવાહીથી ડરતા નથી. “ગાંધી પરિવાર દેશ માટે લડતો રહ્યો છે અને લડતો રહેશે,” એમ તેમણે કહ્યું.
ખડગેએ વડા પ્રધાન મોદીના વચન પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે 2015માં મોદીએ બિહાર માટે ₹1.25 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ હતુ, પણ વાસ્તવમાં એવું કંઈ મળ્યું નહીં. “મોદી ફક્ત જૂઠું બોલે છે,” એમ સ્પષ્ટ વાણીમાં તેમણે ઉમેર્યું.
આ ઉપરાંત આરએસએસ અને ગોડસેના મુદ્દા પર પણ કડક ટિપ્પણી કરતાં ખડગેએ કહ્યુ, “મહાત્મા ગાંધીની હત્યા કરનાર ગોડસેની આજે ભાજપના લોકો પૂજા કરે છે.” તેમણે આરોપ લગાવ્યો કે આરએસએસના આગેવાનો અંગ્રેજોના સહયોગી હતા અને સમયાંતરે માફી પણ માગતા હતા.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે આજે નીતિશ કુમાર એ લોકોની સાથે છે જેમણે ગાંધીજીના વિચારોને કચડ્યા. “મોદી અને નીતિશની જોડી માત્ર ખુરશી માટે છે, બિહારના વિકાસથી તેમનું કંઈ લેવાદેવા નથી,” એમ તેમણે કહ્યું.
અંતે ખડગેએ ઉમેર્યું કે, “ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દેશની એકતા માટે શહીદ થયા હતા. જયારે નહેરુએ પોતાનું જીવન જેલમાં વિતાવ્યું. આવી જાતના ત્યાગ આપનારા લોકોના વારસદારોને ભાજપ ડરાવવા માગે છે, પરંતુ અમે ન તો ડરવાના છીએ કે ન તો નમવાના છીએ.”