મધ્યપ્રદેશના ખરગોનમાં એક કરૂણ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે ખરગોનમાં અજાણ્યા વાહનની ટક્કરથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. આ ઘટના સવારે માનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના ખંડવા રોડ પર ગુવાડી ગામ પાસે બની હતી.
માનગાંવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દિનેશ સોલંકીએ જણાવ્યું કે ત્રણ લોકો મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. તેમણે કહ્યું કે મૃતકોની ઓળખ સુનીલ ચૌહાણ (19), તેની બહેન કલા કસ્તુરી (24) અને તેમના પિતરાઈ ભાઈ દિલીપ સિંહ ડાબર (20) તરીકે થઈ છે.
ઘટના બાદ ગ્રામજનોએ એમ્બ્યુલન્સ સેવાને અકસ્માત અંગે જાણ કરી હતી. ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ડી.એસ.સોલંકી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસના જણાવ્યા મુજબ, બધા હેલાપાડાવાથી ખામખેડામાં તેમના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા.
તેમણે કહ્યું કે એવું લાગે છે કે સવારે ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ શરૂ કરી છે.