ક્રિપ્ટોકરન્સી કેસ: પૂર્વ ભાજપ MLA નલિન કોટડીયા સહિત 14ને આજીવન કેદ
અમદાવાદની સેશન્સ કોર્ટે એક મોટા ચુકાદામાં, ક્રિપ્ટોકરન્સી સંબંધિત ખંડણી અને અપહરણના કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, પૂર્વ IPS અધિકારી જગદીશ પટેલ, પૂર્વ LCB પીઆઈ અનંત પટેલ સહિત કુલ 14 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદો ગુજરાતના રાજકારણ અને પોલીસ વર્તુળોમાં ભારે ચકચાર મચાવી રહ્યો છે.
બિટકનેક્ટ કૌભાંડથી શરૂઆત
આ સમગ્ર મામલાની શરૂઆત 2016ની નોટબંધી બાદ થઈ હતી. સુરતની બિટકનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું રોકાણ એકત્ર કર્યું અને પછી કંપનીને તાળા મારી દીધા. આ કૌભાંડમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ મોટી રકમ ગુમાવી હતી. પોતાના પૈસા પાછા મેળવવા માટે શૈલેષે બિટકનેક્ટના કર્મચારીઓનું અપહરણ કરીને તેમની પાસેથી બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પડાવી લીધી હતી.
બિલ્ડરનું અપહરણ અને ખંડણી
આ ઘટનાની ચર્ચા થતાં 2018માં તત્કાલીન અમરેલીના એસપી જગદીશ પટેલ, એલસીબી પીઆઈ અનંત પટેલ અને ધારાસભ્ય નલિન કોટડીયાના ઈશારે શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું. તેને સરકારી વાહનમાં ગાંધીનગર નજીક લાવવામાં આવ્યો, જ્યાં તેની પાસેથી ₹9 કરોડની કિંમતના 176 બિટકોઈન ટ્રાન્સફર કરાવાયા અને ₹32 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવી.
શૈલેષ ભટ્ટે આ અંગે ફરિયાદ નોંધાવતા CID ક્રાઈમે તપાસ શરૂ કરી. તપાસમાં કુલ 14 વ્યક્તિઓની સંડોવણી સામે આવી અને તેમની ધરપકડ કરવામાં આવી. તમામ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ન્યાયનો વિજય
આ કેસ અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકાર વતી ખાસ સરકારી વકીલ અમિત પટેલે દલીલો રજૂ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, કોર્ટે તમામ 14 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને આજે તેમને આજીવન કેદની સજા સંભળાવી. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાની આ કેસમાં “ફીક્સર” તરીકેની ભૂમિકા બહાર આવી હતી, અને તેઓ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. તેમની ધરપકડ મહારાષ્ટ્રના ધુલિયા નજીકથી કરવામાં આવી હતી. આ ચુકાદો સાબિત કરે છે કે કાયદાની નજરમાં કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હોય તો તેને સજા થઈને જ રહે છે, ભલે તે ગમે તેટલો પ્રભાવશાળી કે શક્તિશાળી હોય.