રશિયામાં 8 તીવ્રતાનો ભૂકંપ
આજના દિવસે રશિયામાં આવેલો ભયાનક ભૂકંપ હવે સમગ્ર પેસિફિક ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. રશિયાના કામચાટકા દ્વીપકલ્પ નજીક રિક્ટર સ્કેલ પર 8 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. આ પરિષ્ઠિતિએ જાપાન સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીનો મોટો ખતરો ઉભો કર્યો છે.
પ્રચંડ ભૂકંપ બાદ પેસિફિક મહાસાગરમાં ઊભેલા મોજાંએ હવાઈ સહિત અનેક દેશો માટે ગંભીર ખતરો ઉભો કર્યો છે. હવાઈમાં હજારો લોકો સુરક્ષિત સ્થળે જવા પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ અનેક મુખ્ય માર્ગો બંધ થવાથી સ્થળાંતરમાં અડચણો આવી રહી છે. સ્થાનિક સરકાર અને રેસ્ક્યુ ટીમો લોકોને સ્થળ પર જ રહી સુરક્ષિત રહેવાની સલાહ આપી રહી છે.
જાપાનમાં આવેલા ભૂકંપ પછી ફુકુશિમા પરમાણુ વીજ પ્લાન્ટને ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2011ની સુનામી વખતે આ પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું, અને તે અનુભવને ધ્યાને લેતાં આ વખતે વહેલી તકે પગલાં લેવાઈ રહ્યા છે.
People in Maui Hawaii trying to escape the tsunami are BEGGING Oprah to OPEN THE ROAD and she’s still refusing #Tsunami pic.twitter.com/Q0SiZu1JZU
— ☆La 🤍 (@Ayah2156) July 30, 2025
ભૂકંપ પછી, અમેરિકાના ભૂગર્ભ સર્વે વિભાગ (USGS) અને બીજી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ તરત જ પેસિફિક મહાસાગરમાં ઊંચા મોજાંનું આગાહી કરીને જાપાન, હવાઈ, અલાસ્કા અને રશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી ચેતવણી જાહેર કરી છે.જાપાન માટે આ ગંભીર સ્થિતિ બની ગઈ છે, જ્યાં સરકારએ તરત જ પગલા લઈને લગભગ 9 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો છે.
જાપાનના સ્થાનિક પ્રશાસન અને બચાવ દળો કામે લાગી ગયા છે.
લોકોને દરિયાકિનારા અને નીચાણવાળા વિસ્તારો છોડવા અને ઊંચા વિસ્તારમાં જવાની સલાહ આપવામાં આવી છે. સરકારી તંત્ર દ્વારા એલર્ટ સિસ્ટમ, ટ્રેન સેવાઓ રોકવી, માર્ગ બંધ કરવા જેવા પગલાં ઝડપથી લેવામાં આવી રહ્યા છે.
સલામતી માટે વહીવટીતંત્ર સતર્ક
રશિયામાં સુનામી અને ભૂકંપના ભય બાદ, સખાલિન ક્ષેત્રના નાના શહેર સેવેરો કુરિલ્સ્કમાંથી લોકોને બહાર કાઢવાનું કાર્ય ચાલી રહ્યું છે. સખાલિનના ગવર્નર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રદેશના લોકોની સલામતી માટે વહીવટીતંત્ર ઝડપથી કામ કરી રહ્યું છે. જાપાનમાં પણ સુનામીના ભયને ધ્યાનમાં રાખીને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટ ખાલી કરાવવામાં આવ્યો છે.
વર્ષ 2011માં જાપાનમાં 9.0 ની તીવ્રતાના ભૂકંપે આ પરમાણુ પાવર પ્લાન્ટને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં, સુનામીના મોજાઓએ પ્લાન્ટની વીજળી અને ઠંડક પ્રણાલીને ખોરવી નાખી હતી, જેના કારણે રિએક્ટરમાં પીગળવાની સમસ્યા થઈ હતી અને કિરણોત્સર્ગી લીક થવાનું જોખમ વધી ગયું હતું.
આ સુનામીની અસર માત્ર જાપાન કે હવાઈ પૂરતી નથી રહી. અમેરિકન સમોઆ, કોલંબિયા, ફીજી, ગુઆમ, કોસ્ટા રિકા, ઇન્ડોનેશિયા, કુક આઇલેન્ડ્સ અને જાર્વિસ આઇલેન્ડ સહિત અનેક પેસિફિક વિસ્તારમાં વસેલા દેશોમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનો સતર્ક છે અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ કરી છે.