દીપિકા પાદુકોણના હિજાબ પર સોશિયલ મીડિયામાં કેમ વિવાદ મચ્યો છે?
દીપિકા પાદુકોણની અબુધાબીના બ્રાન્ડ એમ્બેસેડરવાળી એડ પર સોશિયલ મીડિયામાં તરફેણ અને વિરોધમાં ચર્ચા ચાલી રહી છે. આ એડમાં દીપિકા હિજાબ પહેરેલી જોવા મળે છે. બોલિવૂડના પાવર કપલ કહેવાતા દીપિકા અને રણવીર સિંહ આ એડમાં એકસાથે દેખાઈ રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની હિજાબવાળી એડ પર વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં, દીપિકા અને રણવીર સિંહે તાજેતરમાં આ એડ અબુધાબી માટે શૂટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ એડમાં દીપિકા હિજાબ પહેરીને શેખ જાયદ ગ્રાન્ડ મસ્જિદ પ્રત્યે સન્માન દર્શાવતી જોવા મળી રહી છે. જોકે, ઘણા લોકો તેમના સમર્થનમાં પણ ઊભા છે.
‘હિજાબ લૂક’ને લઈને ટ્રોલિંગ અને સમર્થન
આ એડમાં દીપિકા અને રણવીર સાથે અબુધાબીની સંસ્કૃતિ, ઇતિહાસ અને વારસાને દર્શાવવામાં આવ્યો છે. દીપિકાની આ એડ ટુરિઝમ એડ છે, જેના કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.
તેમની આ જ એડને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી છે. લોકો દીપિકાના પોશાકને લઈને તેમને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો તેમના JNUમાં આપેલા નિવેદન અને તેમના “My Choice, My Freedom” કેમ્પેઇનને લઈને ‘X’ (ટ્વિટર) પર પોસ્ટ કરી રહ્યા છે. જોકે, લોકો દીપિકાના પક્ષમાં પણ પોસ્ટ કરી રહ્યા છે. તેમના લગ્નની તસવીરોથી લઈને હિન્દુ રીતિ-રિવાજોવાળી તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
વિદેશી સંસ્કૃતિના પ્રમોશન પર સોશિયલ મીડિયામાં ચર્ચા
એડમાં દીપિકા અબુધાબીની મસ્જિદમાં તેમના પતિ રણવીર સિંહ સાથે મરૂન કલરના હિજાબમાં દેખાઈ રહી છે. રણવીર તેમની વધેલી દાઢી સાથે કાળા સૂટમાં દેખાઈ રહ્યા છે. આ એડમાં દીપિકા તેમના પતિને કહેતી જોવા મળી રહી છે કે તમે મ્યુઝિયમમાં જગ્યા મેળવવાને લાયક છો.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દીપિકાના હિજાબ લૂકની તારીફ કરી રહ્યા છે, તો વળી કેટલાક તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દીપિકા અને રણવીર જે ઉત્સાહ અને ખુશીથી વિદેશી સંસ્કૃતિને પ્રમોટ કરી રહ્યા છે, જો તે જ જોશ ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં બતાવે તો વધુ સારું થાત.