દિલ્હી બ્લાસ્ટ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું – “ધમાકાના દોષિતોને છોડવામાં નહીં આવે, સખત સજા મળશે”
દિલ્હી બ્લાસ્ટ કેસમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ મામલામાં દોષિત લોકોને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે અને તેમને ન્યાયના કઠેડામાં ઊભા કરવામાં આવશે.
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આતંકવાદી કૃત્યને લઈને સખત પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ધમાકા પાછળ જે લોકો જવાબદાર છે, તેમને સખત સજા આપવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું, “સુરક્ષા એજન્સીઓની તપાસ ચાલુ છે. તપાસની માહિતી જલ્દી જ જાહેર કરીશું. ધમાકા માટે જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે. દોષિતોને કડક સજા મળશે.”

રાજનાથ સિંહનું ભાવનાત્મક નિવેદન:
રક્ષા મંત્રીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, “ગઈકાલે દિલ્હીમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકો પ્રત્યે હું મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ ગહન દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને સાંત્વના પ્રદાન કરે.”
દેશવાસીઓને મક્કમ ખાતરી
રાજનાથ સિંહે દેશની જનતાને આશ્વાસન આપ્યું કે તપાસ ઝડપી અને પારદર્શી રીતે આગળ વધી રહી છે.
તેમણે કહ્યું, “હું મારા તમામ દેશવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે દેશની મુખ્ય તપાસ એજન્સીઓ આ ઘટનાની ઝડપી અને સઘન તપાસ કરી રહી છે. તપાસના તારણો જલ્દી જ જાહેર કરવામાં આવશે.”

રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, “હું દેશવાસીઓને દૃઢતાપૂર્વક ખાતરી આપું છું કે આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને કોઈ પણ ભોગે બક્ષવામાં આવશે નહીં.”
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને સુરક્ષા એજન્સીઓને દોષિતોને પકડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં, ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સક્રિય રીતે તપાસ કરી રહી છે જેથી આ આતંકી કૃત્ય પાછળના સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.
સમગ્ર દેશની નજર હવે સુરક્ષા એજન્સીઓની તપાસ પર ટકેલી છે, જે જલ્દી જ આ દુર્ઘટના પાછળના સત્યને લોકો સમક્ષ લાવશે.

