લાંચના રેકોર્ડિંગ, ટ્રાન્ઝેક્શન અને મીટિંગ્સના વિડિઓ તપાસ હેઠળ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચમાં એક ગંભીર લાંચ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં ASI શીવકુમાર સહિત ત્રણ વ્યક્તિઓના નામ પ્રાથમિક રીતે સામે આવ્યા છે. એન્ટી–કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરાયેલ FIRમાં અમદાવાદના વ્યાપારી ચિત્રેશ ભુપેન્દ્રભાઈ સુતરીયા અને સંજય પટેલની ભૂમિકાનો પણ ઉલ્લેખ થયો છે. ત્રણમાંથી ચિત્રેશ સુતરીયાને ઝડપવામાં આવ્યા છે, જ્યારે બાકીના બેની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે. આ આખી ઘટનામાં લગભગ 1 કરોડ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ટૂર ઓપરેટર રેડ પછી શરૂ થયો લાંચનો ખેલ
આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિલ્હીની એક ટીમે ટૂર ઓપરેટર વિરુદ્ધ રેડ કરી હતી અને તેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફરિયાદીનું નામ ન ખોલવા, તેને સહ–આરોપી ન બનાવવાનો વચન આપવા અને દસ્તાવેજો પરત આપવા બદલ ASIએ 1 કરોડની માગણી કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ વાતચીત બાદ 80 લાખ રૂપિયામાં સમજૂતી કરી અને તેમાંના 10 લાખ રૂપિયા એડવાન્સ રૂપે ચુકવી પણ અપાયા હતા. બાકીના 70 લાખ માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે આખો મામલો બહાર આવ્યો હોવાનો દાવો છે.

વચેટિયાની સક્રિય ભૂમિકા, સુતરીયા ઝડપાયો
ફરિયાદ મુજબ ચિત્રેશ સુતરીયા અને સંજય પટેલે મધ્યસ્થી તરીકે ફરિયાદીને ASI સુધી પહોંચાડ્યો અને લાંચ સંબંધિત તમામ વ્યવસ્થા ગોઠવી હતી. ACBએ મળેલી માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને ચિત્રેશ સુતરીયાને કસ્ટડીમાં લીધો છે. તપાસ દરમ્યાન બેંક ટ્રાન્ઝેક્શન, કોલ રેકોર્ડિંગ અને મીટિંગ્સના વિડિઓ જેવા પુરાવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. આ પુરાવાઓના આધારે વધુ ગંભીર ધારાઓ ઉમેરવાની શક્યતા જણાઈ રહી છે.
દિલ્હી પોલીસમાં વધતા ભ્રષ્ટાચાર પર પ્રશ્નચિહ્ન
તાજેતરમાં દિલ્હીમાં ભ્રષ્ટાચાર સંબંધિત અનેક કેસો નોંધાયા બાદ પોલીસ વિભાગની છબી પર પ્રશ્ન ઊભા થયા છે. આ કેસ સામે આવ્યા પછી જનતા વચ્ચે ઘણો રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જેઓ કાયદાના રક્ષક છે, ત્યાં જ આવા ગંભીર આરોપોની ચર્ચા થઈ રહી છે. ACBએ જણાવ્યું છે કે તપાસનો વ્યાપ વધારીને આરોપીઓના બેંક ખાતા, મિલકતો અને નાણાકીય વ્યવહારો પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

તપાસમાં વધુ ખુલાસાની શક્યતા
ACB અધિકારીઓએ સંકેત આપ્યો છે કે કેસ વધુ જટિલ બની શકે છે અને જો જરૂરી જણાશે તો CBIને તપાસ સોંપવામાં પણ આવી શકે છે. આ કેસમાં અમદાવાદ અને દિલ્હીના વધુ વેપારીઓની સંડોવણી બહાર આવે તે શક્ય છે, જેના કારણે સમગ્ર કાર્યવાહી વધુ ગંભીર દિશામાં આગળ વધી શકે છે.

