Pahalgam Terror Attack: તમારા દાદી હોત તો આ ન થાત’, શહીદના પિતાએ રાહુલ ગાંધીને કહ્યું
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કાનપુરના યુવાન શુભમ દ્વિવેદીના પરિવારને મળવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની નિવાસસ્થાને પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન લાગણીઓથી ભરેલું દૃશ્ય સર્જાયું અને શહીદના પિતાએ ભાવુક થઈને રાહુલને કહ્યું, “જો તમારી દાદી ઇન્દિરા ગાંધી જીવતી હોત, તો આ હુમલો ન થયો હોત.”
રાહુલ ગાંધીએ પરિવારને સાંત્વના આપી અને જણાવ્યું કે તેઓ શહીદ શુભમને શહીદનો દરજ્જો આપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે. તેમણે આ કુટુંબ સાથે સમય વિતાવ્યો અને દુઃખમાં સહાનુભૂતિ દર્શાવી.
શહીદના પિતાનું નિવેદન
શુભમના પિતાએ ગુસ્સા અને દુઃખ વચ્ચે કહ્યું કે આતંકવાદ સામે નરમ વલણ હવે ચાલશે નહીં. “હવે માત્ર નારાજગી વ્યક્ત કરીને કામ નહીં ચાલે, પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા જ પડશે,” તેમ તેમણે સ્પષ્ટપણે કહ્યું.
શુભમની પત્ની ઐશ્ન્યા પણ એ સમયે પહેલગામમાં હાજર હતી. તેમણે કહ્યું કે હુમલાની ઘડીમાં આતંકવાદીઓએ શહીદના ધર્મ વિશે પૂછ્યું અને પછી ગોળી મારી. ઐશ્ન્યાએ રાહુલને કહ્યું, “મારે પણ કહ્યું કે મને પણ ગોળી મારી દો, પણ તેમણે મને છોડીને બધાને મારી નાખ્યા.” આ વાત કહતી વખતે તેઓ ભાવુક થઈ ગઈ.
ભારતનો કડક જવાબ અને પાકિસ્તાનમાં ઉથલપાથલ
પહેલગામ હુમલા પછી ભારતે ઝડપભેર કડક પગલાં લીધાં છે. ભારતે પાકિસ્તાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આતંકવાદના મુદે વિશ્વભરમાંથી પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે. ભારતે તાજેતરમાં રાફેલ-એમ લડાકુ વિમાનો માટે કરાર કર્યો છે, જેના કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.