Satyendra Jain: અઢી વર્ષ બાદ મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, જામીન મળ્યા
Satyendra Jain: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મની લોન્ડરિંગ કેસમાં જામીન અરજી સ્વીકાર્યા બાદ કોર્ટે તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે.
Satyendra Jain ની 30 મે, 2022 ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની સાથે કથિત રીતે જોડાયેલી ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ જજ રાકેશ સ્યાલે આરોપી અને EDની અરજી પર દલીલો સાંભળ્યા બાદ અગાઉ ચુકાદો અનામત રાખ્યો હતો. આજે એટલે કે શુક્રવારે તેમના જામીન પર સુનાવણી કરતી વખતે કોર્ટે જામીન મંજૂર કરી તેમને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.
સત્યેન્દ્ર જૈનને કોર્ટમાંથી જામીન મળી ગયા
અગાઉ, જૈનના વકીલે કોર્ટને કહ્યું હતું કે તેમને વધુ કસ્ટડીમાં રાખીને કોઈ હેતુ પૂરો થશે નહીં. તેથી કોર્ટે જૈનને જામીન પર મુક્ત કરવા જોઈએ. જોકે, ઈડીએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે જો જૈનને મુક્ત કરવામાં આવે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. પરંતુ કોર્ટે EDની વાત સાંભળી ન હતી અને આખરે તેમને મુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો.