Delhi CM દિલ્હીને મળશે મહિલા મુખ્યમંત્રી? PM મોદીના વિદેશ પ્રવાસ બાદ લઈ શકાય છે નિર્ણય
Delhi CM દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત બાદ મુખ્યમંત્રી પદના ચહેરાને મંથન ચાલી રહ્યું છે. જેમાં પ્રવેશ સાહિબ સિંહ વર્મા, વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાયના નામોની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એવાં પણ સંકેતો સાંપડી રહ્યાં છે કે, મુખ્યમંત્રી પદ માટે કોઈ મહિલા ધારાસભ્યને પણ તક મળી શકે છે.
Delhi CM ભાજપે મુખ્યમંત્રી પદના ચહેરા વગર જ દિલ્હીની ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં હવે ચૂંટણી જીત્યા બાદ આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. નવા ચૂંટાયેલા 48 ધારાસભ્યોમાંથી દિલ્હીના આગામી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મહિલા ધારાસભ્યને પણ મુખ્યમંત્રી પદ માટે તક આપવામાં આવી શકે છે અથવા તો નાયબ મુખ્યમંત્રી પણ બનાવી શકાય છે.
આ વખતે ભાજપ તરફથી દિલ્હીથી 4 મહિલા ધારાસભ્ય બની છે. જેમાં પૂનમ શર્મા, રેખા ગુપ્તા, નીલમ પહેલવાન અને શિખા રાય છે. રેખા ગુપ્તા શાલીમાર બાગથી, શિખા રોય ગ્રેટર કૈલાશથી, પૂનમ શર્મા વાજીપુરથી અને નીલમ પહલવાન નજફગઢથી જીત્યા હતા.
તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીમાં સરકાર રચવા અંગે ચર્ચા કરી હતી. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે તેમની વિદેશ યાત્રાથી પરત ફર્યા બાદ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે અને ત્યાર બાદ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.