Desi cow for farming: પ્રાકૃતિક ખેતી માટે ગાયનું મહત્વ – ગોબર અને ગૌમૂત્રથી બને છે જીવામૃત
Desi cow for farming: સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલાએ ગુજરાતમાં એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરી છે. તેઓ પ્રાકૃતિક ખેતીને વધાવા માટે પોતાની જાતે ગાયોનું નિ:શુલ્ક વિતરણ કરતા ખેડૂત બન્યા છે. ખાસ વાત એ છે કે આ દાન માટે તેઓ પાસેથી એક પણ રૂપિયો લેવાતો નથી.
જીવામૃત માટે જરૂરી ગાય
ગજેન્દ્રસિંહભાઈ પોતે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમના અનુભવ પ્રમાણે એવા અનેક ખેડૂતો છે, જેઓ ગાયના ગોબર અને ગૌમૂત્ર વગર જીવામૃત, ઘનજીવામૃત કે જીવાણુનાશક બનાવી શકતા નથી. પરંતુ ગાય ખરીદવા માટેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ સહાય વગર ખેતીમાં જઇ શકતા નથી.
એક ડગલું સહાયરૂપ બન્યું – ગાયનું મફતમાં વિતરણ
આ સમસ્યાના નિરાકરણ માટે ગજેન્દ્રસિંહ વાઘેલાએ નિર્ણય કર્યો કે તેમની પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને મોટી ગાયો મફતમાં આપવામાં આવશે. આજ સુધીમાં તેઓ લગભગ 40 થી વધુ ગાયો એવા ખેડૂતોને આપી ચૂક્યા છે, જેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ઇચ્છે છે.
ભવિષ્યનુ દાયિત્વ પણ સમજાવાયું – ખાસ કરાર સાથે ગાયનું સંરક્ષણ
ગાય આપતી વખતે એક ખાસ કરાર કરવામાં આવે છે – કે ગાય વેચી શકાય નહિ. જો ખેડૂતોને ગાયનો ખર્ચ પોસાય નહીં, તો તેઓ ગાય પાછી વાઘેલાની ગૌશાળામાં આપી શકે છે. ગાય પછી બીજાં જરૂરિયાતમંદ ખેડૂતને આપવામાં આવે છે.
વાછડી કે મોટી ગાય? બંને માટે વિચારપૂર્વક વ્યવસ્થા
જ્યાં નાની વાછડીનો ઉછેર ખર્ચાળ લાગે છે, ત્યાં વાઘેલા મોટી ગાય આપે છે, જે દૂધ આપતી હોય. પણ કેટલાક સક્ષમ ખેડૂતોને નાની વાછડીઓ પણ આપવામાં આવે છે જેથી તેઓ વ્યવસ્થા ઉભી કરી શકે.
શાકભાજીથી લઈ દવા સુધી – ગાય દરેક ખેડૂત માટે આશીર્વાદરૂપ
ગજેન્દ્રસિંહના મતે, “ગાય માત્ર પશુ નથી, પણ ઘરે રહેલું દવાખાનું છે.” તેમણે તેમની કુટુંબની પરંપરા જાળવી છે કે, ગાય ક્યારેય વેચવી નહીં. તેઓ માને છે કે ગાયથી શુદ્ધ દૂધ, ઘી અને છાશ મળવાથી પરિવારનું આરોગ્ય વધે છે.