Devyaniba Zala: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પહેલીવાર કોઈ ખેલાડી વિદેશી રમત માટે પસંદ
Devyaniba Zala: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિરબાઈમા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી અને એથ્લેટિક્સ ક્ષેત્રે પોતાની છાપ છોડનારી દેવયાનીબા ઝાલા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહી છે. તેઓ જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં 400 મીટરની દોડમાં ભાગ લેશે. 18 જુલાઈએ ભારતથી જર્મની રવાના થનારી દેવયાનીબા માટે આ પહેલી જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હશે – અને સાથે એક મોટા સપનાની શરૂઆત પણ.
દેવયાનીબાના નામની પસંદગી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે. યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું કે, “દેવયાનીબાની પસંદગી માત્ર યુનિવર્સિટી નહીં, પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવજનક છે. તેમની રમતપ્રત્યેની નિષ્ઠા, સતત મહેનત અને પ્રતિભા એ સફળતાની કુંજી બની છે.”
દેવયાનીબાએ રાષ્ટ્રીય અને યુનિવર્સિટી સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેમણે આંતર યુનિવર્સિટી એથ્લેટિક્સ સ્પર્ધામાં 52.25 સેકન્ડનો સમય નોંધાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભુવનેશ્વરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં 52.21 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. નેશનલ ગેમ્સ (ઉત્તરાખંડ)માં 53.20 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ તો પંજાબમાં યોજાયેલી સિનિયર નેશનલમાં 52.21 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીતી ચૂક્યાં છે.
આ અગાઉના રેકોર્ડ અને અનુભવોના આધારે દેવયાનીબામાં અપેક્ષાઓ ખૂબ ઊંચી છે. 400 મીટર દોડમાં તેમના દ્રઢ પ્રતિનિધિત્વથી દેશ માટે ગૌરવ લાવવાની પૂરી સંભાવના છે. તેઓ હાલ આ સ્પર્ધા માટે નિરંતર તાલીમ લઈ રહ્યા છે અને દેશનું નામ રોશન કરવા માટે સમર્પિત છે.
દેવયાનીબાની આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિરબાઈમા મહિલા કોલેજ સાથે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી ઘટના બની છે. યુવા ખેલાડીઓ માટે તેમની સફર મહેનત અને સંઘર્ષથી શ્રેષ્ઠતા હાંસલ કરવાની દિશામાં એક માર્ગદર્શિકા સમાન છે.