શટડાઉન વચ્ચે કયા મામલે જજે ટ્રમ્પ વહીવટીતંત્રને ચુકાદો સંભળાવ્યો, આપ્યો આ આદેશ
આ અઠવાડિયે યુએસ કૃષિ વિભાગ (USDA) એ જાહેરાત કરી હતી કે શટડાઉનને કારણે નવેમ્બરમાં ફૂડ આસિસ્ટન્સ ફંડ આપવામાં આવશે નહીં. આ પછી જ અમેરિકામાં બે ફેડરલ જજોએ સરકારી શટડાઉન દરમિયાન ૪ કરોડથી વધુ ઓછી આવક ધરાવતા અમેરિકનોની ખાદ્ય સહાય (SNAP) સ્થગિત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને અટકાવ્યો છે. જજોએ કહ્યું કે સરકારે SNAP કાર્યક્રમ હેઠળ ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરીને લાભો ચાલુ રાખવા પડશે.
અમેરિકામાં બે ફેડરલ જજોએ સરકારી શટડાઉન દરમિયાન ખાદ્ય સહાય અંગે નિર્ણય સંભળાવ્યો છે. જજોએ કહ્યું, ટ્રમ્પ વહીવટીતંત્ર વર્તમાન અમેરિકી સરકારી શટડાઉન દરમિયાન ૪૦ મિલિયનથી વધુ ઓછી આવક ધરાવતા અમેરિકનો માટે ખાદ્ય સહાય (Food Assistance) સ્થગિત કરી શકે નહીં.

શુક્રવારે રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સના જજોએ આ નિર્ણય આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે સરકારે સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP) ના લાભોનું ચૂકવણું ઇમરજન્સી ફંડનો ઉપયોગ કરીને કરવું પડશે.
શું છે SNAP કાર્યક્રમ?
SNAP નામની યોજના હેઠળ ઓછી આવકવાળા પરિવારોને ખાદ્ય સામગ્રી ખરીદવા માટે સહાય રાશિ પૂરી પાડવામાં આવે છે. આનાથી આશરે ૪ કરોડ ૨૦ લાખ અમેરિકી લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. એટલે કે, દર ૮માંથી ૧ વ્યક્તિ. SNAP કાર્યક્રમ હેઠળ લોકોને રીલોડેબલ ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેનો ઉપયોગ તેઓ જરૂરી કરિયાણું ખરીદવા માટે કરી શકે છે.
ફંડ ન આપવાની જાહેરાત બાદ મચ્યો હોબાળો
આ અઠવાડિયે યુએસ કૃષિ વિભાગ (USDA) એ જાહેરાત કરી હતી કે શટડાઉનને કારણે નવેમ્બરમાં ફૂડ આસિસ્ટન્સ ફંડ આપવામાં આવશે નહીં. રાજ્યો આ લાભોનું સંચાલન કરે છે, જેમાં સંઘીય સરકારના નાણાંનો ઉપયોગ થાય છે, જે ૧ ઑક્ટોબરથી ફંડિંગ વિના શટડાઉનમાં છે.
ઘણા રાજ્યોએ વચન આપ્યું છે કે તેઓ કોઈપણ ઉણપને તેમના પોતાના ફંડિંગથી પૂરી કરશે. જોકે, સંઘીય સરકારે ચેતવણી આપી છે કે તેમને પછીથી કોઈ રિફંડ મળશે નહીં.

લોકોએ કર્યો હતો મુકદ્દમો
અમેરિકાના અડધા રાજ્યોએ ટ્રમ્પ વહીવટીતંત્રની ફંડિંગ રોકવાની યોજના સામે મુદ્દમો (Lawsuit) દાખલ કર્યો હતો. આ પછી જ મેસેચ્યુસેટ્સના જજે કહ્યું કે વહીવટીતંત્રે લાભોનું ચૂકવણું કરવા માટે આકસ્મિક ભંડોળ (contingency funds) સુધી પહોંચ બનાવવી પડશે અને સોમવાર સુધીમાં કોર્ટને રિપોર્ટ કરવો પડશે કે શું તેઓ નવેમ્બર માટે ઓછામાં ઓછા આંશિક લાભો મંજૂર કરશે.
પરંતુ, સેન્ટર ફોર બજેટ એન્ડ પોલિસી પ્રાયોરિટીઝ (CBPP) અનુસાર, જો સરકાર આકસ્મિક ફંડનો ઉપયોગ કરે છે, તો તે માત્ર એક મહિનામાં લગભગ ૬૦% લાભાર્થીઓને જ કવર કરી શકશે.
વ્હાઇટ હાઉસે કોઈ પ્રતિક્રિયા આપી નથી
જોકે, વ્હાઇટ હાઉસ અને USDA એ આ નિર્ણયો પર કોઈ ટિપ્પણી કરી નથી. રિપબ્લિકન અને ડેમોક્રેટ બંનેએ સંઘીય શટડાઉન માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે, જે ટૂંક સમયમાં તેના બીજા મહિનામાં પ્રવેશ કરશે.
