Spiritual: નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવી અથવા આદ્યકવિ કહેવામાં આવે છે. તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે. મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે. નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી.
પ્રભાતિયાં વહેલી સવારે ગાવામાં આવતા ભજનનો પ્રકાર છે. તે ઝૂલણા પદબંધમાં, ઝૂલણાની દેશીમાં રચાયેલાં પદો, જે બિલાવલ કે બેલાવલી રાગમાં ગવાય છે. આ પદો દાદરા કે રૂપક તાલ સાથે ગવાય છે.
ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન કવિઓએ રચેલા પ્રભાતિયાં જેવા કે, “જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે..”, “જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે..”, “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ..” અને “જે ગમે જગતગુરુ દેવ જગદીશને..” ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.
1.જળકમળ છાંડી જા રે
‘જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે, ‘બાળક ! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?’
‘નથી, નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’
‘લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું રે તુંજને ચોરિયો.’
‘શું કરું, નાગણ ! હું હાર તારો? શું કરું તારો દોરિયો?
શાને કાજે, નાગણ ! તારે કરવી ઘરમાં ચોરીઓ?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે, બળવંત કોઇ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો;
સહસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઇં જશે, પછે નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડીને વીનવે : ‘સ્વામી ! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ શ્રી કૃષ્ણને રે વધાવિયા;
નરસૈયાના નાથ પાસેથી નાગણે નાથ છોડાવિયા.
2.જે ગમે જગત ગુરૂ જગદીશ ને
જે ગમે જગત ગુરૂ જગદીશ ને,
તે તણો ખર ખરો ફોક કરવો’
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એજ ઉદ્દવેગ ધરવો। ….જે ગમે,
હું કરું હું કરું એજ અજ્ઞાનતા,
શકટ નો ભાર જેમ શ્વાન તાણે,
સૃષ્ટિ મંડાણ છે સર્વં એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે ….જે ગમે,
નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે,
રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે ….જે ગમે,
ઋતુ-લતા પત્ર -ફળ-ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે,
જેહ ના ભાગ્ય માં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે ….જે ગમે,
ગ્રંથે ગડબડ કરી વાત ન ખરી કરી,
જેહને જે ગમે તેહ પૂંજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે ….જે ગમે,
સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું,
જુગલ કર જોડી નરસૈંયો એમ કહે,
જન્મ-પ્રતિ જન્મ હરિને જાણવું ….જે ગમે.
3.આજ્ઞાન અબુદ્ધ તારું મન
આજ્ઞાન અબુદ્ધ તારું મન ચોદિશ ભ્રમે, પ્રીત રીત તું શું રે જાણે ?
પ્રીત વિના તું વિપરીત મુખ ઓચરે, એમ અજ્ઞાન તું કેમ આણે ? અજ્ઞાન.
વિશ્વવ્યાપક પાળક છે શ્રીહરિ, તે રધુનાથને તું શું રે જાણે ?
વેદ નેતિ કહે નારદ શારદ સદા જપે, જે હરિ ચોપિકા પ્રેમ આણે ? અજ્ઞાન.
જે રઘુધીર કહાવે સદા, દશરથવીર રઘુનાથ કહાવે;
અળગી છે સર્વથી સર્વ મધ્યે સદા, તે અલ્પબુદ્ધિને ઘટ કેમ આવે ? અજ્ઞાન.
અલ્પમતિ ઓચરે, જન્મ વૃથા કરે, હરિજન વિના હરિ હાથ નાં’વે;
ભણે નરસૈંયો હું અસત્ય ન આચરું, લીન થયા હારી કેમ આવે ? અજ્ઞાન.
4. મારો ઠાકોર શ્રી દામોદર
મારો ઠાકોર શ્રી દામોદર,મારી સાર કીધી સાંભળી રે;
અંતર નવ રાખ્યો મન સાથે, હાર આપ્યો ઉતારી રે. મારો ઠાકોર.
રમઝમ કરતાં હારી પધાર્યા, આપ્યો દાસને હાર રે;
સખીઓ સઉકો હરિને વધાવે,બોલે જેજેકાર રે. મારો ઠાકોર.
શ્રીમુખ બોલે દમોદરજી, ધનધન વૈષ્ણવ જાત રે;
અત:કરણ સાક્ષી મારો, વેચાઈ તારે હાથ રે. મારો ઠાકોર.
શિવ-સનકદિક, નારદ-શારદ, દેવતા તેત્રીસ ક્રોડ રે;
અંતરીક્ષ રહીને જે જે બોલર, નરસૈંયો જીત્યો હોડ રે. મારો ઠાકોર.
5. બળિતણે દ્વારે હરિ
બળિતણે દ્વારે હરિ, વિપ્ર વામન હુવા,વેદની ધૂન ગઈ ગગન ગાજી;
ઇન્દ્રપ્રસ્થથી બળિ આવ્યો ઉતાવળો, જે રે જોઇએ તે દ્વિજલ્યોને માગી.. બળિ
એક પર્ણકુટી તણો,ઠામ ભણવા કરું,બોલવું તે મારે મૂળ સાચું;
વિપ્ર ફરે ઘણા લોભના વાહેલા,દાન્ન માટે ઘણો હું ન રાચું. બળિ
લ્યોને દ્વિજજી તમે નવનવાં મંદિરો,ભૂમિ શું માગી રે ત્રણ ડગમાં?
લ્યોજી ભંડાર બહુ કુંચીઓ સહીત વળી,માગો હસતી મારા રાખો ઘરમાં. બળિ
હસતીભંડારને હું લેઈ શું કરું,લોભિયાની નથી જાત મારી;
આગે વિધાતાએ વામન નીરમ્યો, વ્રતે રહેલું મારે બ્રહ્મચારી. બળિ
ચેતજે તું બળિ,શુક્ર કહે છળ પડ્યો,વિષ્ણુ એ વામન વેશધરી;
અશ્વજગત સમે, દાન અવનીતણું, પાત્ર એવું ક્યાં મળે મુનિ મુરારિ. બળિ
હરિતણા ચરણ ઉપર નીર નામતાં,નાળમાં ભૃગુસુત પેઠે ચાલી;
રીસ હૃદય ધરી, ઘણું ઘણું રાયજી,નેત્રમાં દર્ભની શેર ઘાલી. બળિ
બાપડો બળિરાય, પગ તળે ચાંપિયો,પ્રભુ પાતાળનો કરીને ચાપ્યો.
ભણે નરસૈંયો,હરિભક્ત આધીન છે,ઈન્દ્ર અવિચળ અધિકાર આપ્યો. બળિ
6. જાગને જાદવા
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિણ ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
દહીં તણાં દૈથરાં ઘી તણાં ધેબરાં,
કઢિયેલાં દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળિનાગનાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ?
જમુનાને તીરે, ગૌધણ ચરાવવાં,
મધુરી શી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તાર ગુણ ગાઈ રીઝિયે,
બૂડતાં બાંહેડી કોણ સહાશે ?
(૫રાત રહે જાહરે
રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,
એક તું એક તું એમ કહેવું.
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેને ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતર હોય તેને દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું.
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંયા સ્વામીને, સ્નેહથી સમરતાં,
ફરી નવ અવતરે નર ને નારી.
7.ભક્તિ પદારથ
ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહીં રે ;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે ….. ભૂતળ
હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા, નિત્ય કીર્તન -ઓચ્છવ,નિરખવા નંદકુમાર રે. ..ભૂતળ
ભરતખંડ ભૂતળમાં જનમી જેને ગોવિંદ -ગુણ ગાયા રે;
ધન ધન રે એનાં માતપિતાને સફલ કરી એને કાયા રે. ….ભૂતળ
ધન વૃંદાવન, ધન એ લીલા,ધન એ વ્રજનાં વાસી રે ;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી,મુક્તિ છે એમની દાસી રે….ભૂતળ
એ રસનો સ્વાદ શંકર જાણે,કે જાણે શુક જોગી રે;
કાંઈ એક જાણે વ્રજની રે ગોપી,ભણે નરસૈંયો ભોગી રે . ..ભૂતળ