સુરતમાં CBIના નકલી અધિકારીઓ બની 1 કરોડની લૂંટ
દિલ્હી ક્રાઈમ બ્રાંચ અને સીબીઆઈ ઓફિસરની ખોટી ઓળખ બતાવી સુરતના ધોડદોડ રોડ ખાતે રહેતી વ્યક્તિ પાસેથી એક કરોડ રુપિયા જેવી માતબર રકમ ઉસેટી લેવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ બોલાવ્યો છે. આ કેસમાં સુરતના ચોક બજાર ભાગાતળાવ વિસ્તારમાં રહેતો યુવક પણ સંડોવાયો હોવાનું ખૂલતા પોલીસે તેના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ સમગ્ર ઠગાઈનાં પ્રકરણમાં ચોક બજાર સ્થિત જનરલ ફેમિલીના પિતા અને બે પુત્રોની પણ સંડોવણીની આશંકાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે.
વિગતો મુજબ એ-12, બ્લુ સ્ટાર એપાર્ટમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક પાસે, ઘોડદોડ રોડ, સુરતના રહીશ અને રિટાયર એવાં 67 વર્ષીય જયંતકુમાર રમણલાલ શાહે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ટેલીકોમ ડિપાર્ટમેન્ટ હેડ ઓફિસ દિલ્હીથી રાહુલ શર્મા તથા દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સિનિયર ઓફિસર પ્રધાન રાજેશ તરીકેની ખોટી ઓળખ આપી વાત કરવામાં આવી હતી.
ત્યાર બાદ આઇપીએસ. સુનીલકુમાર ગૌતમ તથા સીબીઆઇ ઓફિસર પ્રદીપસિંહ તરીકેની ખોટી ઓળખ આપી વાત કરી જયંત શાહ પર મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવી ખોટી રીતે હેરાનગતિ કરીને ધમકી આપવામાં આવી હતી અને “તમારા ઉપર મની લોન્ડરીંગનો રૂ.6.89 કરોડનો કેસ છે. જેનો કેસ કોડ સી 35770 છે અને તમોને કસ્ટડીમાં લેવા પડશે. પરંતુ તમે સિનિયર સીટીઝન છો.જેથી તમોને ડિજીટલી કસ્ટડીમાં લેવામાં આવે છે.” તેમ કહી તેઓને વોટ્સએપ સી.બી .આઈ. ના કેસનો ખોટો તથા બનાવટી લેટર વોટ્સએપ ઉપર મોકલી જયંત શાહને વીડિયો કોલ દ્રારા ડીજીટલ એરેસ્ટ કરી આઈ.પી.એસ. સુનીલકુમાર ગૌતમ તથા સીબીઆઈ ઓફિસર પ્રદીપસિંહ તરીકે ખોટી ઓળખ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ડિજિટલ અરેસ્ટના આ કેસમાં આરોપીઓએ જયંત શાહને કહ્યું હતું કે
આ કૃત્ય એક ગેંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ ગેંગ દ્વારા બીજા અનેક બધા ગુનાઓ આચરવામાં આવેલા છે. જેમાં તમારા કેસમાં આઈસીઆઈસીઆઇ બેંક મેનેજર સંદિપકુમારની ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ જજની રૂબરૂમાં એવુ જણાવેલ છે કે, જયંતકુમાર રમણલાલ શાહ દ્વારા મને આધારકાર્ડ આપવામાં આવેલ. જેથી મે તેના બદલામાં 3.68 લાખ તેઓને આપેલ છે.
આ સિવાય આરોપીઓએ જયંત શાહને કહ્યું હતું કે
જો આ તપાસ કરતા તમારૂ આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો તમને સુપ્રીમ કોર્ટના જજ દ્વારા ક્લિન ચીટ આપીને આરબીઆઇ દ્વારા 48 કલાકમાં તમોને તમારી બધી જ રકમ પરત મળી જશે.” તેમ કહી ફેડરલ બેંકના એકાઉન્ટમાંથી 10,00,000, બંધન બેંકના એકાઉન્ચમાંથી 25,00,000, એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટમાંથી 20,00,000 તથા ફેડરલ બેંકના એકાઉન્ટમાંથી 7,00,000, ફેડરલ બેંકના એકાઉન્ટમાંથી 15,00,000,એ.યુ. સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટમાંથી 18,00,000, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટમાથી 6,00,000 મળી કુલ્લે 1,01,00,000 ટ્રાન્સફર કરાવી ઉસેટી લીધા હતા.
સુરતના સાયબર ક્રાઈમ સેલની તપાસમાં ચોકબજાર, ભાગાતળાવ, ગનીભાઈની ગલીમાં આવેલા Eptex એપાર્ટમેન્ટનાં પહેલા માળે રહેતા આમીર અમીન પીરભાઈની સંડોવણી ખૂલવા પામી છે. પોલીસે આમીરના ઘરે દરોડા પાડ્યો હતો. આમીર પીરભાઈ બાગ છૂટ્યો હતો અને પોલીસના હાથે લાગ્યો ન હતો. સાયબર સેલે હાજર થવા માટે નોટીસ તેની પત્નીને આપી હતી.
આખીય ઘટનામાં ભાગતળાવની એક જનરલ તરીકે ઓળખાતી ફેમિલીનું નામ પણ બહાર આવી રહ્યું છે. આમીરનો આ જનરલ ફેમિલી 10-20 હજાર આપીને પોતાના ષડયંત્રને પાર પાડતી આવેલી છે. પૈસા કમાવવાની લાલચમાં આમીર આ જનરલ ફેમિલીની ચૂંગાલમાં ફસાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ સાયબર ક્રાઈમ સેલની રડાર પર અશફાક, ઉંમર અને યુનુસ જેવા જનરલ ફેમિલી સાથે સંકળાયેલા પિતા-પુત્રો સહિત અન્ય કૌભાંડકારીઓ પણ છે. આ ઉપરાંત અહેમદ નામના ઈસમ ઉપર પણ પોલીસની ચાંપતી નજર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ આખી ટોળકી ગરજુ લોકોને થોડા ઘણા રુપિયાની લાલચ આપી પોતાના ગોરખધંધામાં ફસાવીને કરોડો રુપિયાનાં આર્થિક કૌભાંડો આચરતી આવેલી છે. આ ટોળકીએ અનેક લોકોને કરોડો રુપિયામાં રાતા પાણીએ નવરાવી દીધા હોવાની વિગતો બહાર આવી રહી છે.