ડિજિટલ યુગમાં એક નવો ભય – “ડિજિટલ અરેસ્ટ”
ગુજરાતના અનેક નાગરિકો સામે હાલમાં એક નવા પ્રકારની ઠગાઈનો ભય ઊભો થયો છે – જેને ગુનેગારો “ડિજિટલ અરેસ્ટ” કહે છે. લોકોના ફોન પર પોલીસ, કોર્ટે કે પછી વધુ મોટાં અધિકારીઓના નામે ડરાવનારા મેસેજો કે કોલ્સ આવે છે. આ એક નાટક હોય છે, જેમાં લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ થાય છે.
“ડિજિટલ અરેસ્ટ” કાયદામાં નથી, છતાં લોકો થાય છે ભોગ
કાયદાકીય રીતે “ડિજિટલ અરેસ્ટ” જેવું કશું અસ્તિત્વમાં જ નથી. એડવોકેટ અને બાર કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ દિલીપભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે, “આ શબ્દ માત્ર લોકોમાં ભ્રમ અને ડર ફેલાવાનું એક હથિયાર છે.”
ઠગોના ટાર્ગેટ – વૃદ્ધ નાગરિકો અને મહિલાઓ
આ ઠગો ખાસ કરીને વડીલ નાગરિકો અને મહિલાઓને ટાર્ગેટ બનાવે છે. અમદાવાદના એક વરિષ્ઠ નાગરિક સાથે તો રૂ.1.26 કરોડની ઠગાઈ થઈ હતી, જ્યાં તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નામે બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં નિવૃત્ત ફોરેસ્ટ ક્લાર્ક પાસેથી ખોટા ઇન્સ્પેક્ટરની ઓળખ આપી રૂ.8.93 લાખ પડાવાયા.
“ડિજિટલ અરેસ્ટ” છે માત્ર એક માનસિક જુગાડ
ઠગો કોલ કરીને કહે છે કે, “તમારા નામે ગુનો નોંધાયો છે,” અથવા “આ વસ્તુ પકડાઈ છે અને જામીન માટે પૈસા જમા કરો.” એવા ડરાવનારા સંદેશાઓથી લોકો ડરી જાય છે. કેટલાક લોકો તો 2-3 દિવસ સુધી ઘરની બહાર પણ નીકળી શકતા નથી.
સરકાર અને તજજ્ઞોની ચેતવણી – “આ માત્ર ષડયંત્ર છે”
પેટ્રોલિંગ અધિકારીઓ, સાયબર તજજ્ઞો અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુલ્લેઆમ જણાવ્યું છે કે “ડિજિટલ અરેસ્ટ”નો કોઈ કાયદાકીય આધાર નથી. આ માત્ર સાઇકોલોજીકલ બ્લેકમેલિંગ છે.
આવી ઠગાઈ સામે શું કરવું જોઈએ?
કોઈ પણ અજાણી સંસ્થા કે અધિકારીના નામે ફોન આવે તો તરત પોલીસનો સંપર્ક કરો
પૈસા ટ્રાન્સફર ન કરો, ભલે તેમનુ દબાણ કે ધમકી હોય
પરિવારજનો અને વડીલોને જાગૃત કરો
સાયબર હેલ્પલાઈન અથવા નિકટની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો
જાગૃતિ જ છે બચાવનો એકમાત્ર રસ્તો
આ ફ્રોડ કેવળ ગુજરાત માટે નહીં, પણ સમગ્ર દેશ માટે ચેતવણીરૂપ છે. ખાસ કરીને એવા લોકો માટે જે ઓછું ટેક્નોલોજીજ્ઞ છે.