તમારા સુધી અનાજ પહોંચાડવા સરકારે ગોઠવ્યું એવું નેટવર્ક કે જાણીને હોશ ઊડી જશે!
રાજ્યના સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી રાશનનું અનાજ યોગ્ય સમયે, યોગ્ય જથ્થામાં અને પૂર્ણ પારદર્શિતા સાથે પહોંચે તે કોઈપણ કલ્યાણકારી સરકારની પ્રાથમિકતા હોય છે. આ દિશામાં એક મોટું અને ક્રાંતિકારી કદમ ઉઠાવતા ગુજરાત સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) ને સંપૂર્ણપણે અદ્યતન ટેક્નોલોજી અને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ સાથે જોડી દીધી છે. જીપીએસ ટ્રેકિંગ, સીસીટીવી સર્વેલન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા સાધનોનો ઉપયોગ કરીને સરકારી અનાજ વિતરણની આખી શ્રૃંખલાને વધુ પારદર્શક, ઝડપી અને સચોટ બનાવવામાં આવી છે.
રાજ્યભરના ૨૫૦ ગોડાઉનથી ૧૭ હજાર વ્યાજબી ભાવની દુકાનો સુધી અનાજનું સીમલેસ નેટવર્ક
ગુજરાત સરકારના સંયુક્ત સાહસ એવા ‘ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ’ (GSCSCL) દ્વારા આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે. રાજ્યમાં આવેલી અંદાજે ૧૭ હજાર પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની દુકાનો – FPS) સુધી રાશન પહોંચાડવા માટે ૨૫૦ જેટલા મુખ્ય સરકારી ગોડાઉનો રાત-દિવસ કાર્યરત રહે છે.
અગાઉના સમયમાં ગોડાઉનથી દુકાનો સુધી અનાજ મોકલવાની પરંપરાગત પદ્ધતિમાં ઘણી વાર વિલંબ, જથ્થામાં ગડબડ કે અનાજ બારોબાર વેચાઈ જવાની ફરિયાદો રહેતી હતી. પરંતુ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ, આ સમગ્ર સપ્લાય ચેઈન ઓપરેશનને સંપૂર્ણપણે ડિજિટલ અને ઓટોમેટેડ બનાવી દેવામાં આવ્યું છે. આ ફેરફારથી અનાજના ઉપાડથી લઈને તેના અંતિમ વિતરણ સુધીની પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ અને ગડબડીની શક્યતાઓ નહિવત થઈ ગઈ છે.
આઈસીટી લોજિસ્ટિક્સ સોફ્ટવેર અને રિયલ-ટાઇમ જીપીએસ મોનિટરિંગ
સપ્લાય ચેઈનને સ્માર્ટ બનાવવા માટે નિગમ દ્વારા ‘ICT Logistics Software’ વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેરનું મુખ્ય કામ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ના મુખ્ય ડેપોથી લઈને રાજ્યના ૨૫૦ ગોડાઉનો અને ત્યાંથી છેવાડાની વ્યાજબી ભાવની દુકાનો સુધી માલ લઈ જતા તમામ વાહનો પર લાઈવ નજર રાખવાનું છે.
મશીન લર્નિંગ અને રૂટ ઓપ્ટિમાઇઝેશન: વાહનોને સૌથી ટૂંકો અને સલામત રસ્તો મળે તે માટે મશીન લર્નિંગ આધારિત ‘રૂટ ઓપ્ટિમાઇઝેશન’ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમ: જો કોઈ અનાજ ભરેલું વાહન નક્કી કરેલા રૂટ પરથી જરાય ડાયવર્ટ થાય અથવા વાહનમાંથી જીપીએસ (GPS) ડીસ્કનેક્ટ કરવાનો પ્રયાસ થાય, તો તુરંત જ કંટ્રોલ રૂમના સિસ્ટમ ડેશબોર્ડ પર ઇમરજન્સી એલર્ટ જનરેટ થઈ જાય છે.
જીઓ-ફેન્સિંગ અને ઈ-પીઓડી (ePOD): દરેક ગોડાઉન અને વ્યાજબી ભાવની દુકાન ખાતે ‘જીઓ-ફેન્સિંગ’ (Geo-Fencing) કરવામાં આવ્યું છે. વાહન જ્યારે નક્કી કરેલા લોકેશન પર પહોંચે ત્યારે જ ડિલિવરી ડિજિટલી કન્ફર્મ થાય છે. આ ઉપરાંત, ‘ઈલેક્ટ્રોનિક પ્રૂફ ઓફ ડિલિવરી’ (ePOD) દ્વારા માલનો જથ્થો મળ્યાની સચોટ અને તાત્કાલિક ખરાઈ કરવામાં આવે છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર: એક જ છત નીચેથી સમગ્ર રાજ્યનું સર્વેલન્સ
રાજ્ય કક્ષાની વડી કચેરી ખાતે એક અદ્યતન ‘કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર’ ની સ્થાપના કરવામાં આવી છે. આ કંટ્રોલ રૂમ સમગ્ર રાજ્યમાં ચાલતી અનાજની હેરફેર પર ૨૪/૭ નજર રાખે છે. કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ, વાહનનું રોકાણ કે અનાજ ઉતારવામાં થતા વિલંબ અંગે કંટ્રોલ રૂમમાંથી તુરંત જ સંબંધિત અધિકારીઓને સૂચના આપી પગલાં લેવામાં આવે છે.
આ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવા માટે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ (PDS) પોર્ટલ તૈયાર કરાયું છે. આ પોર્ટલ પરથી દરેક ગોડાઉનમાં ઉપલબ્ધ લાઈવ સ્ટોકની માહિતી મેળવી શકાય છે. તેમજ દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે ઓટોમેટેડ ડેશબોર્ડ રિપોર્ટ્સ તૈયાર થાય છે. આ આખી સિસ્ટમ આઈસીટી લોજિસ્ટિક પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારના FCI ના ‘અન્ન દર્પણ’ પોર્ટલ સાથે સીધી રીતે સંકલિત (Integrate) કરવામાં આવી છે, જેથી કેન્દ્રથી લઈને રાજ્ય અને જિલ્લા સ્તર સુધી ડેટા એકસરખો અને પારદર્શક રહે.
૭ હજારથી વધુ સીસીટીવી કેમેરા અને વિડિયો વોલ સેટઅપ
ગોડાઉનમાં થતી ચોરી, અનાજમાં ભેળસેળ કે કોઈ અનિચ્છનીય બનાવ અટકાવવા માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવવામાં આવી છે. રાજ્યના ગોડાઉનોમાં આશરે ૭,૦૦૦ જેટલા હાઇ-ટેક સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ સર્વેલન્સ નેટવર્કમાં સામાન્ય કેમેરા સિવાય ખાસ ટેકનોલોજી ધરાવતા કેમેરાનો ઉપયોગ કરાયો છે:
૧. Bullet & Dome Cameras: ગોડાઉનની અંદર અને બહારની સામાન્ય હિલચાલ પર નજર રાખવા માટે.
૨. PTZ (Pan-Tilt-Zoom) Cameras: દૂર સુધી ઝૂમ કરીને કેમેરાને ચારેય તરફ ફેરવીને દરેક ખૂણાનું સ્પષ્ટ વિઝન મેળવવા માટે.
૩. ANPR (Automatic Number Plate Recognition) Cameras: ગોડાઉનમાં આવતા અને જતા તમામ વાહનોની નંબર પ્લેટ મેળવીને આપોઆપ ડિજિટલ એન્ટ્રી કરવા માટે.
આ તમામ કેમેરાના લાઈવ મોનિટરિંગ માટે માત્ર વડી કચેરી જ નહીં, પરંતુ ગોડાઉન કક્ષાએ, નાયબ જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારી (DSO) ની કચેરીઓ ખાતે ‘વિડિયો વોલ’ (Video Wall) નું અદ્યતન સેટઅપ ગોઠવવામાં આવ્યું છે. આનાથી સ્થાનિક અધિકારીઓ પણ પોતાના વિસ્તારના ગોડાઉનની સ્થિતિ પર ક્ષણે-ક્ષણ નજર રાખી શકે છે.
ખેડૂતો માટે ડિજિટલ સુરક્ષા કવચ: ફાર્મર પ્રોક્યોરમેન્ટ પોર્ટલ (FPP)
ગ્રાહકો સુધી અનાજ પહોંચાડવા ઉપરાંત, રાજ્યના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) અનાજની ખરીદી પ્રક્રિયાને પણ સંપૂર્ણપણે પારદર્શક બનાવી દેવાઈ છે. આ માટે ખાસ ‘Farmer Procurement Portal’ (FPP) કાર્યરત કરવામાં આવ્યું છે.
આ પોર્ટલ દ્વારા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરતી વખતે તેમની ઓળખ, બેંક વિગતો અને જમીનના રેકોર્ડની ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી કોઈ વચેટિયા કે બોગસ વ્યક્તિ ખેડૂતોના નામે લાભ ન ઉઠાવી શકે. ખેડૂતનું રજીસ્ટ્રેશન થાય ત્યારથી લઈને, અનાજની તોલ-માપણી, ગોડાઉનમાં જમા થવું અને બેંક ખાતામાં નાણાં જમા થવા સુધીના દરેક તબક્કાની માહિતી ખેડૂતોને સીધી SMS મારફતે તેમના મોબાઈલ પર મોકલવામાં આવે છે.
