પોલીસે ની સતર્કતા ને કારણે બૉમ્બ પકડાયો
અંબાજીના શક્તિ દ્વારની જાળી પાસેથી આ બોંબ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ નિષ્ક્રિય બોંબમાં ૬૦૦ ગ્રામ જેટલા વિસ્ફોટક અને છરાં મળી આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ બનાસકાંઠા એસપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અંબાજી મંદિર પહોંચી ગયા હતા, અને સમગ્ર પરિસરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કરી દીધું હતું. શ્રદ્ધાળુઓ અને પોલીસની સતર્કતાને કારણે આ બોંબ પકડી શકાયો હતો.
બનાસકાંઠા એસપી નીરજ બડગુજ્જરે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, હાલ પોલીસનો કાફલો ઉપરાંત, બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ મંદિરમાં પહોંચી ગયા છે, અને સમગ્ર મંદિરમાં મોટા પાયે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ બોંબ કોણે મૂક્યો તેની કડી મેળવવા માટે પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ પણ ચાલુ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ બોંબ પેપરમાં લપેટાયેલો હતો.
આતંકવાદીઓના હુમલાની શક્યતા ધરાવતા અંબાજી મંદિરમાં કાયમી ધોરણે પોલીસનો મોટો કાફલો તૈનાત હોય છે, આ ઉપરાંત સમગ્ર મંદિર સીસીટીવી સર્વેલન્સ હેઠળ આવે છે, ત્યારે આટલી સુરક્ષા વચ્ચે પણ બોંબ છેક શક્તિ દ્વારની જાળી સુધી કઈ રીતે પહોંચી ગયો તે તપાસ પોલીસે શરુ કરી છે.
રાજકોટમાંથી ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસ સાથે કથિત સંડોવણી ધરાવતા બે સગા ભાઈઓ પોલીસના હાથે ઝડપાયા છે, જેમણે ચોટીલા મંદિર પોતાના હિટ લિસ્ટમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. ત્યારે, આઈએસ કે પછી અન્ય કોઈ આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા કોઈ ગુજરાતમાં સક્રિય છે કે કેમ અને આતંકવાદી સંગઠનો ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી લોકોને ઉશ્કેરવા માગે છે કે કેમ તે અંગેની પોલીસ સઘન તપાસ કરી રહી છે.