અઠવાલાઈન્સ ખાતે ‘આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળા’નો શુભારંભ
તા.૨ થી ૮ એપ્રિલ સુધી આયોજિત મેળામાં ૧૦૦ સ્ટોલ: ડાંગ, આહવા અને વલસાડના વૈદુભગતો દ્વારા સ્નાયુ, ઘૂંટણના દુ:ખાવા, પેરાલિસીસ,કેન્સર,પેટની તકલીફો જેવા
જટિલ રોગોની સારવાર ઉપલબ્ધ
આપણી પરંપરાગત સંસ્કૃતિને દુનિયાભરમાં સ્વીકૃતિ અપાવવાની શરૂઆત આપણાંથી જ થાય એ અગત્યનું: પોલીસ કમિશનર અજયકુમાર તોમર
૧૦૦૦થી વધુ વનસ્પતિઓના ઔષધિય ગુણોના પારખું નિષ્ણાંત વૈદોના અનુભવોનો સાત દિવસ માટે લાભ મળશે
આદિજાતિ બહેનોના હાથે બનેલા ઓર્ગેનિક ધાન્યોના સ્વાદિષ્ટ વ્યંજનો માણવાની સુરતીઓને અનેરી તક
આયુર્વેદિક અને વાનસ્પતિક ઔષધિના ચાહક સુરતીઓને ડાંગ, આહવા અને વલસાડના વૈદુભગતોની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તે હેતુથી ઉમરા પોલીસ સ્ટેશન પાસે, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, અઠવાલાઈન્સ ખાતે શ્રી પછાત મહિલા વિકાસ મંડળ-ભાવનગર તથા શર્વરીસેતુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘આદિવાસી પરંપરાગત વૈદુભગતોના વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળા’ને જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.
સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં સવારે ૭.૦૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ૧,૦૦૦થી વધુ વનસ્પતિઓના ઔષધીય ગુણોના પારખું એવા ડાંગ-આહવા અને વલસાડ જિલ્લાના નિષ્ણાંત વૈદ્યોના અનુભવનો લાભ મળશે. ૪૦૦ જેટલા આદિજાતિ ભાઈ-બહેનો, વૈદુ ભગતો દ્વારા ૧૦૦થી વધુ સ્ટોલમાં અનેક પ્રકારની બિમારીઓનો વાજબી દરે ઈલાજ થશે. સુરતવાસીઓ વિવિધ પ્રકારના ઓર્ગેનિક ધાન્યપાકો, ઔષધિય વનસ્પતિઓ તેમજ પિઠોરા અને વારલી પેઈન્ટીંગ, વાંસમાથી બનાવેલા રમકડાં અને ગૃહ શુશોભનની વસ્તુઓને નિહાળી અને ખરીદી શકશે.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે આદિકાળથી પ્રચલિત ભારતીય સંસ્કૃતિમાં રહેલા પૌરાણિક જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, દુનિયાભરમાં આપણી આગવી સંસ્કૃતિના પ્રચાર માટેની શરૂઆત આપણાથી જ થવી જોઈએ. એલોપેથીના સ્થાને પરંપરાગત આયુર્વેદિક અને નેચરોપેથી પદ્ધતિથી સારવાર લેવાની પ્રેરણા આપી તેમણે આયુર્વેદ પદ્ધતિની દેશ-વિદેશમાં સ્વીકૃતિ માટે યોગ્ય રિસર્ચ, પેટન્ટ અને માર્કેટિંગનું મહત્વ જણાવ્યુ હતું.
શ્રી પછાત મહિલા વિકાસ મંડળ,ભાવનગરના પ્રમુખ ડો.જયશ્રી બાબરીયાએ વિગતો આપતા જણાવ્યું કે, સુરતમાં બીજી વાર વૈદુભગતોનો ઉપચાર મેળો યોજાયો છે. જેમાં ડાયાબિટીસ, વા, સાંધાના દુઃખાવા, સ્નાયુ, દમ, સ્થૂળતા, આધાશીશી, કિડની, પાચનતંત્ર, ચામડી, પાર્કિન્સન, અસ્થમા જેવા નાના-મોટા તમામ રોગોની સારવાર, ઔષધિઓ વાજબી દરે ઉપલબ્ધ થશે. અહિં ઔષધિય વનસ્પતિનું વેચાણ, ક્લિનિકલ મસાજ-સ્ટીમ બાથ સાથે ઓર્ગેનિક ફુડ ખાદ્ય-સામગ્રીનું પણ વેચાણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે જ આદિવાસી મહિલાઓના સખી મંડળ સંચાલિત ‘નાહરી કેન્દ્ર’ દ્વારા નાગલી બનાવટોના બિસ્કીટ, પાપડ, અડદ, ચિપ્સ તથા મકાઈના ઢોકળા, વડા, રાગીનો શિરો, પાનેલા, કુલડીની ચા, અથાણાં, ગ્રીન ટી, વાંસનું શાક-અથાણું, ભુરજી, શુદ્ધ મધ વગેરેના ફૂડ સ્ટોલ પણ ઊભા કરાયા હોવાનું તેમણે જણાવ્યુ હતું. તો ખાવાના શોખીન સુરતીઓને આદિજાતિ બહેનોના હાથે બનેલા ઓર્ગેનિક ધાન્યોના સ્વાદિષ્ટ વ્યંજનોનો લાભ લેવાની અને આદિવાસી નૃત્યો તેમજ કલાને માણવાનો મોકો સુરતીઓને મળશે એમ જયશ્રીબેને જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડે. મેયર દિનેશ જોધાણી, ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા, સતગુરુ આશ્રમ(કડી, મહેસાણા)પૂ. હરિબાપુ સહિત મહાનુભાવો, વૈદુ ભગતો, આદિજાતિ બહેનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.